સ્પોર્ટસ

ટિમ રૉબિન્સનની ગજબની કરતબ, શાદાબનો કૅચ આબાદ ઝીલીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું

ક્રાઇસ્ટચર્ચઃ સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડ્સને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણવામાં આવે છે અને ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં હાલમાં એક નહીં, પણ અનેક જૉન્ટી રહોડ્સ છે એવું થોડા દિવસથી લાગી રહ્યું છે, કારણકે તાજેતરમાં ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી અને શુભમન ગિલના ડાઇવિંગ કૅચ પકડીને બધાને ચોંકાવી દીધા ત્યાર બાદ હવે ટિમ રૉબિન્સને ફ્લાઇંગ કૅચ પકડ્યો છે.

ક્રાઇસ્ટચર્ચમાં શનિવારે રૉબિન્સને પૉઇન્ટના સ્થાને પાકિસ્તાનના શાદાબ ખાનનો હવામાં અજબની કરામત કરીને ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો. આ કૅચ જોઈને ઘણા ક્રિકેટપ્રેમીઓને થયું હશે કે ફિલિપ્સને ચડિયાતો ફીલ્ડર કહેવો કે ટિમ રૉબિન્સનને.
રૉબિન્સને હવામાં ઉડીને શાદાબ ખાનનો ગજબનો કૅચ પકડ્યો હતો જેનો વીડિયો વાઇરલ થયો છે.

આ પણ વાંચો…ન્યૂ ઝીલૅન્ડમાં પહેલી જ મૅચમાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું

પાકિસ્તાને શૂન્યમાં બે વિકેટ ગુમાવી હતી અને એક રન બન્યો ત્યાં તો ત્રીજી વિકેટ પણ પડી ગઈ હતી. ટીમનો સ્કોર 11 રન હતો અને પાંચમા ક્રમે રમવા આવેલો શાદાબ માંડ સેટ થયો અને ત્રણ રન પર હતો ત્યાં તો કાઇલ જૅમીસનના બૉલ પર તે કટ મારવા ગયો અને બૉલ સીધો પૉઇન્ટ તરફ ગયો હતો. ત્યાં રૉબિન્સન સતર્ક ઊભો હતો. શાદાબને તો શું, ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓએ પણ નહીં ધાર્યું હોય કે રૉબિન્સન જિમ્નૅસ્ટની જેમ હવામાં કરતબ બતાવીને શાદાબનો કૅચ આબાદ પકડી લેશે. રૉબિન્સને જોરદાર છલાંગ લગાવી અને જે કરિશ્મા બતાવ્યો એ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. જેમ ગ્લેન ફિલિપ્સે પળવારમાં અસંભવ કૅચ પકડીને બૅટર વિરાટ કોહલીને પણ ચોંકાવી દીધો હતો એમ ક્રાઇસ્ટચર્ચમાં શાદાબ ખાન પણ જોતો રહી ગયો હતો. તેના માનવામાં જ નહોતું આવતું કે તેણે પૅવિલિયન ભેગા થવાનું છે.

શાદાબનો કૅચ ઝીલ્યા બાદ ખુદ રૉબિન્સનમાં ખુશી સમાતી નહોતી. સાથી ખેલાડીઓ તેને ભેટી પડ્યા હતા.
ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને 92 રનમાં આઉટ કર્યા પછી 10.1 ઓવરમાં એક વિકેટે 92 રન બનાવી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button