ICC T20 રેન્કિંગમાં તિલક વર્માને મોટો ફાયદો, ઇતિહાસ રચવાની ખુબ નજીક…

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ T20Iની સિરીઝ (IND vs ENG T20I Series) રમાઈ રહી છે. ગઈ કાલે રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમને હાર મળી. એવામાં ICC દ્વારા નવી T20 રેન્કિંગ જાહેર કરવામાં (ICC T20 Ranking) આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટર તિલક વર્માને (Tilak Verma) ફાયદો થયો છે. તિલક એક સ્થાન ઉપર ચઢીને બીજા સ્થાને પહોંચી ગયો છે.
Also read : એક ભારત, શ્રેષ્ઠ ભારતઃ વડા પ્રધાન મોદી
અગાઉ તિલક ત્રીજા ક્રમે હતો, ચેન્નઈમાં રમાયેલી બીજી મેચમાં તિલકે 55 બોલમાં અણનમ 72 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી, જેને કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે રાજકોટમાં રમાયેલી ત્રીજી મેચમાં તિલક માત્ર 18 રન જ કરી શક્યો હતો.
ટ્રેવિસ હેડને પછાડવાનો મોકો:
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને છે, તેનું રેટિંગ હાલમાં 855 છે. તિલક વર્મા એક સ્થાન આગળ વધીને બીજા નંબરે પહોંચી ગયો છે, તેનું રેટિંગ 832 થઈ ગયું છે. તિલક વર્મા પહેલીવાર ICC T20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યા છે. ચેન્નઈમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી મેચ પછી તેનું રેટિંગ 844 પર પહોંચી ગયું હતું, પરંતુ ત્રીજી મેચમાં તે વધુ રન ન બનાવી શક્યો, જેને કારણે તેનું રેટિંગ ઘટીને 832 થઈ ગયું છે.
ઈતિહાસ રચવાની તક:
હવે તિલક ટ્રેવિસ હેડની ખૂબ નજીક પહોંચી ગયો છે, ઇંગ્લેન્ડ સામેની સિરીઝની છેલ્લી બે મેચ દરમિયાન તે મોટી ઇનિંગ્સ રમીને હેડને પાછળ છોડી શકે છે, કેમ કે હાલમાં હેડ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. જો તિલક પહેલા ક્રમે પહોંચશે, તો તે રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર સૌથી યુવા ખેલાડી બનશે. હાલ આ રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે, જે 23 વર્ષ અને 105 દિવસની ઉંમરે નંબર વન T20I બેટર બન્યો હતો.
સોલ્ટને નુકશાન:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં સારું પ્રદર્શન ના કરી શકનાર ઓપનર ફિલ સોલ્ટને એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 782 ના રેટિંગ સાથે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. દરમિયાન, ભારતનો સૂર્યકુમાર યાદવ 763 ના રેટિંગ સાથે ચોથા નંબરે છે. તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. જોસ બટલર 749 ના રેટિંગ સાથે પાંચમા ક્રમે છે. તેમના પછી છઠ્ઠા નંબરે બાબર આઝમ અને સાતમા નંબરે પથુમ નિસાન્કા છે.
Also read : રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે વરુણનો વટ, પાંચ વિકેટ લીધી
પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને મેચ રમ્યા વિના એક સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે ભારતનો યશસ્વી જયસ્વાલ એક સ્થાન નીચે ખસી ગયો છે. મોહમ્મદ રિઝવાન 704 રેટિંગ સાથે 8મા ક્રમે અને યશસ્વી જયસ્વાલ 685 રેટિંગ સાથે 9મા ક્રમે પહોંચ્યા છે. શ્રીલંકાના કુસલ પરેરા 675 રેટિંગ સાથે દસમા ક્રમે યથાવત છે.