સ્પોર્ટસ

તો આ ખેલાડીએ ડ્રેસિંગરૂમની વાતો લીક કરી હતી? આ યુવા બેટ્સમેનનું કરિયર જોખમમાં

મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ટીમ વિવિધ વિવાદોથી ઘેરાયેલી રહી. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર નિરાશાજનક પ્રદર્શન બાદ ડ્રેસિંગરૂમમાં વાતાવરણ તંગ રહેતું હોવાના અહેવાલ મળ્યા હતાં. આર અશ્વિને અચાનક નિવૃત્તિ જાહેર કરતા આ ચર્ચાઓ વધુ તેજ બની હતી. કેપ્ટન રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે પણ સંબંધો ઠીક નહીં હોવાની અટકળો છે. ડ્રેસિંગરૂમમાં થયેલી કેટલીક વાતો પણ મીડિયામાં લીક થઇ હતી, હવે આ વાતો કોણે લીક કરી હતી એ અંગે પણ અહેવાલો (Indian cricket team Dressing room chat leaked) વહેતા થયા છે.

So this player leaked dressing room conversations? This young batsman's career is in danger
Image Source : News18

ગૌતમ ગંભીરે આપ્યું આ ખેલાડીનું નામ:
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં 11 જાન્યુઆરીના રોજ યોજાયેલી BCCIની સમીક્ષા બેઠકમાં ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમની વાતો મીડિયાને લીક કરવાનો આરોપ સરફરાઝ ખાન (Sarfaraz Khan) પર લગાવ્યો છે. સરફરાઝ ખાનનું નામ બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. જોકે, રિપોર્ટમાં પુષ્ટિ થઈ શકી નથી કે ગંભીર પાસે સરફરાઝ વિરુદ્ધ કોઈ પુરાવા છે કે નહીં.

અગાઉ ગંભીરે કહી હતી આવી વાત:
ઓસ્ટ્રેલીયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ ગંભીરને ડ્રેસિંગ રૂમના વાતાવરણ અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી જ સીમિત રહેવી જોઈએ.

અહેવાલો મુજબ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ તમામ ખેલાડીઓને ધમકી આપી હતી. ગંભીરે કહ્યું કે ખેલાડીઓએ કાં તો તેમની વાત સાંભળે નહીં તો ટીમની બહાર બેસી જાય. આ મુદ્દો ઓસ્ટ્રેલિયન મીડિયામાં ખુબ ચર્ચાયો હતો.

સરફરાઝ ખાનનું કરિયર ખતમ?
ગંભીરના આરોપોને કારણે સરફરાઝ ખાનનું કરિયર ખતમ થઈ જશે એવી અટકળો ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. આ બાદ એવી અટકળો છે કે હવે સરફરાઝના કરિયરનો અંત આવી જશે. બે મહિના લાંબા ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન, સરફરાઝ ખાનને મેચ તો દૂર, નેટમાં યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવાની તક પણ મળી ન હતી.

હવે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જ્યાં સુધી ગૌતમ ગંભીર કોચ રહેશે ત્યાં સુધી સરફરાઝને ટીમમાં સ્થાન મળવાની શક્યતાઓ નથી. સરફરાઝે અત્યાર સુધીમાં ભારત માટે 6 ટેસ્ટ મેચમાં 371 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે.

BCCI સમીક્ષા બેઠકની વાતો કોને લીક કરી?
રસપ્રદ વાત એ છે કે સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની વાતો મીડિયાને લીક કરી હોઈ શકે છે, તો પછી સવાલ એ છે કે BCCIની સમીક્ષા બેઠકની વાતો કોણે લીક કરી? જેમાં સરફરાઝ ખાન હાજર ન હતો. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં, BCCIના વરિષ્ઠ અધિકારીઓ, કેપ્ટન રોહિત શર્મા, સિલેક્ટર્સ અને ગૌતમ ગંભીર પોતે હાજર હતા.

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ કરતાં પણ વધુ સંવેદનશીલ મુદ્દો BCCI બેઠકોની ચર્ચાનો છે, જે સતત લીક થતી રહે છે. દર વખતે ટીમની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ અહેવાલો બહાર આવી જાય છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા:
X પર એક યુઝરે લખ્યું કે ગૌતમ ગંભીરે સરફરાઝ ખાન પર વાતો લીક કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ તેમની સમીક્ષા બેઠકની વિગતો પણ લીક થઈ ગઈ છે, તો શું ગંભીર હવે કોઈ બીજા પર ખોટા આરોપો લગાવશે?

આ પણ વાંચો…BCCIને ગૌતમ ગંભીર પર વિશ્વાસ નથી? બોર્ડ કોચિંગ સ્ટાફ અંગે મોટો નિર્ણય લઇ શકે છે

અન્ય એક યુઝરે લખ્યું કે એક સમયે વિરાટ કોહલીએ કરુણ નાયરની કારકિર્દીનો અંત લાવ્યો હતો, હવે ગૌતમ ગંભીર સરફરાઝ ખાન સાથે કંઈક આવું જ કરી રહ્યા છે.

બીજા એક યુઝરે લખ્યું કે ગૌતમ ગંભીરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની હારની ટીકાથી બચવા માટે સરફરાઝને પ્યાદો બનાવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button