અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને અમેરિકા માત્ર આટલો લક્ષ્યાંક આપી શક્યું

બુલવૅયોઃ મેન્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં આજે પ્રારંભિક મૅચમાં ભારતે (India) અમેરિકાને ફક્ત 107 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું. ભારત માટે 108 રનનો લક્ષ્યાંક નાનો છે, પરંતુ અમેરિકાના બોલર્સની બોલિંગથી ભારતીયો અજાણ હોવાથી તેમની સામે ખૂબ સાવચેતીથી રમવું પડશે.
અમેરિકાની ટીમમાં તમામ ભારતીયો, કૅપ્ટન પુણેનો
અમેરિકા (USA)ની ટીમમાં તમામ ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ છે. ઉત્કર્ષ શ્રીવાસ્તવ યુએસએની ટીમનો કૅપ્ટન છે. 18 વર્ષનો ઉત્કર્ષનો જન્મ પુણેમાં થયો હતો. તે રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન છે અને અમેરિકા તરફથી કુલ ચાર આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે. ઉત્કર્ષ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. વલસાડના પેસ બોલર હેનિલ પટેલે (Henil Patel) તેને તેના પાંચમા બૉલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. અમેરિકાની ટીમનો દાવ 35.2 ઓવરમાં પૂરો થયો હતો.
મુંબઈના આયુષે પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી
ભારતની અન્ડર-19 ટીમના કૅપ્ટન આયુષ મ્હાત્રેએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈનો આયુષ બૅટિંગ-ઑલરાઉન્ડર છે. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 13 મૅચ રમ્યો છે. આઇપીએલમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વતી રમી ચૂક્યો છે.
Henil Patel brings up the first five-for at the #U19WorldCup 2026 in style
— ICC (@ICC) January 15, 2026
Watch #USAvIND live in your region, broadcast details here https://t.co/jKX6xmmOJQ pic.twitter.com/dEIqvf0VIo
વલસાડના પટેલે લીધી પાંચ વિકેટ
વલસાડમાં રહેતા પેસ બોલર હેનિલ પટેલે ફક્ત 16 રનમાં અમેરિકાની પાંચ વિકેટ લીધી હતી. અન્ય ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી જેમાં મોડાસાના ખિલન પટેલ તેમ જ દીપેશ દેવેન્દ્રન, આર. એસ. અંબરિશ અને વૈભવ સૂર્યવંશીનો સમાવેશ હતો. અમેરિકાની ટીમમાં સૌથી વધુ રન નીતીશ સુદિનીના હતા. તેણે 36 રન કર્યા હતા અને તેની વિકેટ સૂર્યવંશીએ મેળવી હતી. અદનિત ઝામ્બે 18 રન તેમ જ સાહિલ ગર્ગ અને વિકેટકીપર અર્જુન મહેશે 16-16 રન બનાવ્યા હતા. અમેરિકાની ટીમના બે બૅટ્સમૅનના ઝીરો હતા અને બાકીના બૅટ્સમેનના રન સિંગલ ડિજિટમાં હતા.



