આ ગુજરાતી વહીવટકાર સતત ત્રીજી વાર એશિયન ક્રિકેટના કિંગ બની ગયા
મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટમાં પાકિસ્તાનની ખોટી અને નડતરરૂપ નીતિઓ સામે સફળતાપૂર્વક ઝીંક ઝીલવા માટે જાણીતા છે. ગયા વર્ષે ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપ પહેલાંના એશિયા કપ વખતે મુખ્ય યજમાન પાકિસ્તાને ભારતને એશિયન ક્રિકેટમાં બદનામ કરવા કંઈ બાકી નહોતું રાખ્યું, પરંતુ જય શાહે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચૅરમૅનપદેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે એવું કડક હાથે કામ લીધું કે પીસીબીનું નાક કપાઈ ગયું હતું અને એસીસીની નીતિઓને ફૉલો કરવી પડી હતી તેમ જ ક્રિકેટજગતમાં બીસીસીઆઇ સર્વોપરિ છે એ પીસીબીએ આડકતરી રીતે સ્વીકારી લેવું પડ્યું હતું.
પાકિસ્તાનને ગમ્યું તો નહીં હોય, પણ જય શાહ ફરી એકવાર એસીસીના અધ્યક્ષસ્થાને ચૂંટાયા છે. બુધવારે બાલીમાં આયોજિત એસીસીની વાર્ષિક સભામાં જય શાહને સર્વાનુમતે ફરી ચૅરમૅનપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જય શાહને સૌથી પહેલાં 2021માં એસીસીના આ સર્વોચ્ચ સ્થાને નીમવામાં આવ્યા હતા. ત્યારે તેઓ 32 વર્ષના હતા અને એસીસીના ચીફ તરીકેની જવાબદારી સંભાળનારા સૌથી યુવાન વહીવટકાર બન્યા હતા. ત્યારે તેમણે બંગલાદેશના નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. જય શાહ 2023માં ફરી ચૅરમૅનપદે નિયુક્ત થયા હતા અને તેમની મુદત જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી હતી. જય શાહની નવી મુદત બે વર્ષની છે.
ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહના શાસનકાળ દરમ્યાન એસીસીએ ટી-20 તથા વન-ડેનો એશિયા કપ સફળતાથી યોજ્યો હતો. નવી મુદત માટે પુન:નિયુક્ત થતાં જય શાહે આનંદ વ્યક્ત કર્યો હતો અને પોતાની કાર્યપદ્ધતિમાં વિશ્ર્વાસ જાળવી રાખવા બદલ બોર્ડના મેમ્બરોનો આભાર માન્યો હતો. જય શાહે ક્રિકેટને એશિયાભરમાં ફેલાવવા વિશેની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતીર્.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાએ જય શાહની ફરી નિયુક્તિ થયા પછી પત્રકારોને કહ્યું, ‘જય શાહના માર્ગદર્શનમાં એસીસી ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા મોટા ક્રિકેટ-રાષ્ટ્રોમાં નવી-નવી ટૅલન્ટ શોધવામાં તેમ જ આશાસ્પદ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે.’
ઓમાનના ક્રિકેટ બોર્ડના ચૅરમૅન પંકજ ખીમજીએ જય શાહને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે જય શાહ એસીસીના ચીફ બન્યા છે ત્યારથી એશિયામાં ક્રિકેટનો ખૂબ વિકાસ થયો છે, સ્ટેકહોલ્ડરો એસીસીની ટૂર્નામેન્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે. એશિયન ક્રિકેટમાં જે મોટું પરિવર્તન આવ્યું છે એનો યશ જય શાહને જ મળવો જોઈએ.’