
કન્નુરઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રિકેટર શ્રીસંત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કેરળ પોલીસ દ્વારા કન્નુર જિલ્લાના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવા બદલ એસ શ્રી સંત અને બીજી બે વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420 ગુનો નોંધવામાં આવ્યો છે.
કન્નુર જિલ્લાના ચુંડા ગામમાં રહેતા સરીશ ગોપાલન નામની એક વ્યક્તિએ આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીને કુલ 18.70 લાખ રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાડ્યો છે. ફરિયાદ મુજબ આરોપી રાજીવ અને વેંકટેશે કર્ણાટકના કોલ્લુરમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના છે, જેમાં ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત પણ પાર્ટનરશિપમાં જોડાયેલો છે.
ગોપાલને જણાવ્યું હતું કે મેં આ સ્પોર્ટ્સ એકેડમીમાં પાર્ટનરશિપ માટે આરોપીઓને પૈસા આપ્યા હતા, પણ હજી સુધી મને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રિકેટર એસ. શ્રીસંત પર 2013ની આઇપીએલ મેચમાં સ્પોટ ફિકસિંગ કરવા બદલ લાઇફટાઇમ બૅન મૂકવામાં આવ્યો હતો, પણ બીસીસીઆઇએ આ બૅનને ઘટાડી સાત વર્ષ કરવામાં આવ્યો હતો. બૅનનો સમય પૂરો થયા બાદ શ્રીસંત કેરળમાં લોકલ ક્રિકેટ લીગમાં રમ્યો હતો. હાલમાં તે લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે.