કોલંબોઃ શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલમાં 21 રન આપીને છ વિકેટ ઝડપીને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા સાથે ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું હતું, પરંતુ તેને મળેલા પુરસ્કારની રકમ ગ્રાઉન્ડમેનને આપવાની જાહેરાતથી દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું. આજની મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનનો શ્રેય નસીબને આપ્યો હતો. શ્રીલંકાને 50 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરાજે કહ્યું હતું કે જેટલું તમારા નસીબમાં હોય છે તે મળે છે. આજે મારું નસીબ હતું.
અહીંની ફાઈનલ મેચમાં છ વિકેટ ઝડપનારા અને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે મોહમ્મદ સિરાજે જાહેરાત કરી કે તે તેના પુરસ્કારની રકમ શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને દાન કરવાનું જણાવ્યું હતું. એશિયા કપ 2023 દરમિયાન લગભગ દરેક મેચ દરમિયાન વરસાદે મેચોમાં વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ માત્ર ગ્રાઉન્ડ્સમેનની મહેનતના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી, જેના કારણે મોહમ્મદ સિરાજે આ મોટો નિર્ણય લીધો હતો. મેચમાં શાનદાર પ્રદર્શન બદલ સિરાજે કહ્યું હતું કે છેલ્લી વખતે મેં ત્રિવેન્દ્રમમાં પણ શ્રીલંકા સામે આવું પ્રદર્શન કર્યું હતું. મેં શરૂઆતમાં ચાર વિકેટ લીધી હતી પરંતુ પાંચમી વિકેટ ન લઈ શક્યો. તેણે કહ્યું હતું કે આજે મેં કોઈ ખાસ પ્રયત્નો કર્યા નહોતા. મારું નસીબ હતું એ મને મળ્યું છે. દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે મહોમ્મદ સિરાજની પ્રશંસા કરતા દેશની ટોચની સેલિબ્રિટીઝે પણ અભિનંદન આપ્યા હતા.
અનુષ્કાએ સિરાજની પ્રશંસા કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં સિરાજનો ફોટોગ્રાફ સાથે લખ્યું હતું કે ક્યા બાત હૈ મિયાં મેજિક. સિરાજના ઓફિશિયલ એકાઉન્ટને ટેગ કરીને અભિનંદન આપ્યા હતા. દરમિયાન સાઉથની જાણીતી અભિનેત્રી રાશિ ખન્નાએ તેની ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં સિરાજનો ફોટોગ્રાફ શેર કરીને કેપ્શનમાં ભારત વિરુદ્ધ શ્રીલંકાનું હેશટેગ સાથે વાહ લખ્યું હતું.
દરમિયાન આરઆરઆર ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ મહોમ્મદ સિરાજની શાનદાર બોલિંગની પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં પણ સિરાજ મિયાંના નામથી પ્રશંસા કરી હતી. બોલીવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા.
અજય દેવગને પણ ટવિટ કરીને સિરાજની બોલિંગની પ્રશંસા કરી હતી અને ભારતીય ટીમ વિશ્વ કપ માટે તૈયાર છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપીને સિરાજ માટે લખ્યું હતું બોલ્ડ ઓવર! એશિયા કપમાં શાનદાર જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન. જાણીતા કોરિયોગ્રાફર પ્રભુદેવા સહિત અન્ય સેલિબ્રિટીઝે પણ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા.