લૉર્ડ્સમાં ભારતની હારનાં આ રહ્યા મુખ્ય છ કારણ
મેં 50થી 100 રનની સરસાઈની આશા રાખી હતી, પણ પંતનો રનઆઉટ નડ્યો: કેપ્ટન ગિલ

લંડન: ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે રમાતી પાંચ ટેસ્ટ (Test)ની સિરીઝમાં લીડ્સના પ્રથમ મુકાબલામાં યજમાન ઇંગ્લૅન્ડ (England)ની ટીમ પાંચમા દિવસે 371નો મોટો લક્ષ્યાંક 5/373ના સ્કોર સાથે મેળવવામાં સફળ થઈ હતી, પરંતુ સોમવારે લૉર્ડ્સમાં ભારતીયો પાંચમા દિવસે 193 રનનો સાધારણ ટાર્ગેટ પણ ન મેળવી શક્યા અને ઇંગ્લૅન્ડનો માત્ર 22 રનના તફાવતથી વિજય થયો હતો. ભારત (India) મુખ્ય છ કારણસર હાર્યું.
કેપ્ટન શુભમન ગિલે પરાજય બાદ રવીન્દ્ર જાડેજા (61 અણનમ, 266 મિનિટ, 181 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની તેમ જ પૂછડિયા બૅટ્સમેનો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ભારોભાર પ્રશંસા કર્યા બાદ કહ્યું હતું કે ‘ રિષભ પંતે પ્રથમ દાવમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી એ અમારા માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ હતો. અમે 50થી 100 રનની સરસાઈની આશા રાખી હતી. થોડી ઘણી લીડ મેળવી લઈએ તો બીજા દાવમાં હરીફ ટીમ પર પ્રેશર આવી જાય. જોકે અમે લીડ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.’
પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના 387 રનના જવાબમાં ભારતે પણ 387 રન કર્યા હતા. બંને ટીમના પ્રથમ દાવના એકસરખા સ્કોરનો આ નવમો કિસ્સો હતો.
રવીન્દ્ર જાડેજા(Ravindra Jadeja)એ મૅચની છેલ્લી ક્ષણો દરમિયાન બાથરૂમ જવા થોડો સમયનો બ્રેક લેવો પડ્યો હતો.
ટીમ ઇન્ડિયાની હારના મુખ્ય છ કારણ
(1) ભારતને 193 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. વિદેશી ધરતી પર પાંચમા દિવસે ચોથા દાવમાં રન બનાવવા આસાન નથી, પણ ભારતીય બૅટ્સમેનોએ ટી-20ના આજના જમાનામાં શરૂઆતથી આક્રમકને બદલે સાવ ડિફેન્સિવ અપ્રોચ (Defensive approach) રાખ્યો હતો. ભારતીયોના નબળા શૉટ સિલેક્શનને લીધે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પ્રભુત્વ જમાવતા ગયા હતા અને ભારતીય બૅટ્સમેનો વિકેટ ગુમાવતા રહ્યા હતા. ઇંગ્લૅન્ડના પેસ આક્રમણ સામે જાડેજા, રાહુલ તેમ જ બુમરાહ અને સિરાજ સિવાય બીજા કોઈ બૅટ્સમેન ક્રીઝમાં લાંબો સમય નહોતા ટકી શક્યા.
(2) વાઇસ કેપ્ટન રિષભ પંત આ સિરીઝમાં ખૂબ સારું રમી રહ્યો છે. તેણે પહેલા દાવમાં હાથની આંગળીની ઈજા છતાં લડાયક 74 રન કર્યા હતા. રાહુલને લંચ પહેલાં સેન્ચુરી પૂરી કરાવી આપવાની ઉતાવળમાં પંત રનઆઉટમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
Nervous work for Ravi Jadeja at Lord's…
— Sky Sports Cricket (@SkyCricket) July 14, 2025
The Indian all-rounder runs off to use the facilities at the Home of Cricket pic.twitter.com/Ap75u1BkZC
(3) ભારતને બંને દાવમાં ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા પણ ખૂબ નડી હતી. વનડાઉનમાં કરુણ નાયર એકંદરે આ સિરીઝમાં ખરાબ રમ્યો છે, પણ તેણે લોર્ડ્સની ટેસ્ટના પ્રથમ દાવમાં લડાયક પર્ફોર્મન્સમાં 40 રન કર્યા હતા, જયારે ઓપનર યશસ્વી જયસ્વાલ બંને દાવમાં (13 અને 0) સદંતર ફ્લોપ હતો. એકંદરે ભારતીય બૅટ્સમેનોનો કટોકટીના સમયે ધબડકો થયો હતો.
(4) પ્રથમ દાવમાં વિકેટકીપર જૅમી સ્મિથનો તેની ઇનિંગ્સની શરૂઆતમાં જ કે. એલ. રાહુલે કૅચ છોડ્યો હતો. ત્યાર પછી સ્મિથ 51 રન કરી રહ્યો હતો. તેણે ઇંગ્લૅન્ડનો સ્કોર 5/255 પરથી 7/355 સુધી પહોંચાડ્યો હતો.
આપણ વાંચો: બેન સ્ટૉકસે વર્લ્ડ ચેમ્પિયનપદની ઍનિવર્સરીના જ દિવસે ઇંગ્લૅન્ડને જિતાડ્યું
(5) ભૂતપૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે ‘ જાડેજાએ ધૈર્યપૂર્વક રમીને પૂછડિયા બૅટ્સમેનો બુમરાહ અને સિરાજ સાથે જબરદસ્ત ભાગીદારીઓ કરી, પરંતુ આ બે લાંબી પાર્ટનરશિપ દરમ્યાન જાડેજાએ આક્રમક અભિગમ અપનાવી ફટકાબાજી કરીને થોડા વધુ રન કરવા જોઈતા હતા. જો તેણે એવું કર્યું હોત તો ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પર માનસિક દબાણ આવ્યું હોત જેનો જાડેજા અને તેના સાથી બૅટ્સમેનોને જ ફાયદો થયો હોત.
(6) ભારતીય બોલર્સે પહેલા દાવમાં 31 અને બીજા દાવમાં 32 એક્સ્ટ્રા રન આપ્યા હતા. બ્રિટિશરોને બંને દાવ મળીને કુલ 63 એક્સ્ટ્રા રન ભેટમાં મળ્યા એને લીધે પણ ભારતનું જીતવું મુશ્કેલ થઈ ગયું હતું.