
અબુ ધાબીઃ ભારતના ક્રિકેટરસિકો દર વર્ષે IPLની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. તાજેતરમાં અબુ ધાબી ખાતે IPL 2026 માટે મીની-ઓક્શન યોજાયું હતું. આ મીની-ઓક્શનમાં ખેલાડીઓની આશ્ચર્યજનક બોલી લગાવવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે, અનકેપ્ડ ખેલાડીઓ પર તો રૂપિયાની લ્હાણી કરવામાં આવી હતી.
પ્રશાંત વીર બન્યો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી
અબુ ધાબી ખાતે યોજાયેલા IPL 2026ના મીની-ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી, જે પૈકી 77 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 48 ભારતીય અને 29 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખેલાડીઓને ખરીદવામાં વિવિધ ફ્રેન્ચાઇઝીઓએ કુલ રૂ. 215.45 કરોડનો ખર્ચ કર્યો હતો. આ મીની-ઓક્શનમાં જેઓ એક પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમ્યા એવા 6 અનકેપ્ડ ખેલાડીઓ ચર્ચામાં આવ્યા છે. કારણ કે તેઓને તેમની અપેક્ષા કરતાં અનેકગણી વધારે રકમ મળી છે.
આ પણ વાંચો: અનકૅપ્ડ ખેલાડીઓ ન્યાલ થઈ ગયા…
બે અનકેપ્ડ ખેલાડીઓ ઇતિહાસમાં સૌથી મોંઘા
IPL 2026નું મીની-ઓક્શન પ્રશાંત વીર માટે યાદગાર રહેશે. પ્રશાંત વીર બાદ બીજો નંબર કાર્તિક શર્માનો આવે છે. આ બંને ખેલાડીઓ IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા છે. બંને ખેલાડીઓને ચેન્નઈ સુપર કિંગ્સે(CSK) રૂ. 14.20 કરોડ રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે તેઓની બેઝ પ્રાઇઝની સરખામણીએ તેમની કિંમતમાં 4,633.33 ટકાનો વધારો જોવા મળ્યો છે.
RCB, KKR, LSGએ અનકેપ્ડ ખેલાડી માટે બોલી લગાવી
પ્રશાંત વીર અને કાર્તિક શર્મા બાદ અનકેપ્ડ ખેલાડીઓમાં જમ્મુ-કાશ્મીરના આકિબ નબીદારનું નામ આવે છે. તેને દિલ્હી કેપિટલ્સે (DC) રૂ. 8.40 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આકિબ નબીદારની બેઝ પ્રાઇસ(રૂ.30 લાખ)ની સરખામણીએ તેની કિંમતમાં 2700 ટકાનો વધારો જોવા મળ્યો છે. આકિબ નબીદાર બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં યોર્કર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા મેંગમેશ જયદેવનું નામ આવે છે.
આ પણ વાંચો: IPL ઓક્શનમાં ઓલરાઉન્ડર પ્રશાંત વીર છવાયો, ચેન્નઈએ લગાવ્યો મોટો દાવ…
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB)એ રૂ. 5.20 કરોડની બોલી લગાવીને મેંગમેશ જયદેવને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જેનાથી મેંગમેશ જયદેવની બેઝ પ્રાઇસ(રૂ. 30 લાખ)માં 1633.33 ટકાનો વધારો થયો છે. મેંગમેશ જયદેવ બાદ તેજસ્વી સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સે(KKR) તેજસ્વી સિંહને રૂ. 3 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જેનાથી તેજસ્વી સિંહની બેઝ પ્રાઇસ(રૂ. 30 લાખ)ની સરખામણીએ તેની કિંમતમાં 900 ટકાનો વધારો થયો છે. આ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) મુકુલ ચૌધરીને 2.60 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જેનાથી મુકુલ ચૌધરીની બેઝ પ્રાઇસ(રૂ. 30 લાખ)ની સરખામણીએ તેની કિંમતમાં 766.67 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્શનના પહેલા દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને 25.20 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે કેમેરોન ગ્રીન IPLના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. જેની બેઝ પ્રાઇસ રૂ. 2 કરોડ હતી.



