‘…વિનેશ સાથે આખો દેશ ભાવુક છે.’ રાહુલ ગાંધીએ વિનેશ ફોગાટને અભિનંદન પાઠવ્યા
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic)માં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) ફાઈનલમાં પ્રવેશ મેળવી ઈતિહાસ રચ્યો છે, હવે દેશ તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહ્યો છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મંગળવારે પેરિસ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં ઐતિહાસિક જીત બાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટની પ્રશંસા કરી હતી.
વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસ્નીલિસ ગુઝમેનને 5-0થી હરાવીને મહિલા કુસ્તીમાં ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે ટોક્યો 2020ની ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને પણ હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, જાપાની રેસલર યુઇ સુસાકીને 82 આંતરરાષ્ટ્રીય મેચો બાદ પ્રથમ વાર હાર મળી છે.
વિનેશ ફોગાટની શાનદાર જીત પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે વિનેશની સાથે આખો દેશ ભાવુક છે. રેસલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેશના દિગ્ગજ રેસલર્સના વિરોધના સ્પષ્ટ સંદર્ભમાં, રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચેમ્પિયનની ઓળખ છે કે તેઓ મેદાન પર પોતાનો જવાબ આપે છે.
તેમણે એમ પણ કહ્યું કે જે લોકોએ વિનેશ ફોગાટ અને તેના મિત્રોના સંઘર્ષને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અથવા તેમના ઇરાદા અને ક્ષમતાઓ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમને જવાબ મળી ગયો છે.
રાહુલ ગાંધીએ X પર હિન્દીમાં લખ્યું “એક જ દિવસમાં વિશ્વના ત્રણ ટોચના કુસ્તીબાજોને હરાવ્યા પછી, વિનેશની સાથે આખો દેશ ભાવુક છે. જે લોકોએ વિનેશ અને તેના મિત્રોના સંઘર્ષને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, તેમના ઇરાદા અને ક્ષમતાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા, તેમના માટે આ એક જવાબ છે.”
રાહુલ ગાંધીએ વિનેશને ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે પેરિસમાં તેની સફળતાનો પડઘો દિલ્હીમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે.
2023માં કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન:
ભારતીય જનતા પાર્ટી (BJP) ના તત્કાલીન સાંસદ બ્રિજ ભૂષણ સિંહ પર 2012 થી WFI ચીફના પદ રહેતા મહિલા રેસલર્સની જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને રવિ દહિયા જેવા અગ્રણી રેસલર્સે દિલ્હીમાં બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મે મહિનામાં, દિલ્હી પોલીસે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક અને અન્ય લોકોની નવી સંસદ ભવન તરફ કૂચ કરવા બદલ અટકાયત કરી હતી, આ ઘટના બાદ કુસ્તીબાજો ગંગામાં તેમના મેડલ ફેંકવા માટે હરિદ્વાર ગયા હતા, પરંતુ ખેડૂતોના નેતા નરેશ ટિકૈતે છેલ્લી ક્ષણે તેમને અટકાવ્યા હતા.
Also Read –