સાઉથ આફ્રિકાના ક્રિકેટરે છ બૉલમાં પાંચ સિક્સર ફટકારી અને પછી પંતનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો

પૉશેફ્સ્ટ્રૂમ: રિષભ પંત એક વર્ષ કરતાં વધુ સમયથી રમી નથી રહ્યો, પણ અગાઉ રચેલા એક વિશ્વ વિક્રમને કારણે તે ન્યૂઝમાં આવી ગયો છે. આ વાત સિનિયર ભારતીય ટીમ સાથેના તેના કનેક્શનની નથી, પણ તે જ્યારે અન્ડર-19 કૅટેગરીમાં રમતો હતો ત્યારની છે.
2016ના વર્લ્ડ કપમાં પંત અન્ડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો. ઇશાન કિશન ત્યારે ભારતીય ટીમનો કૅપ્ટન હતો. પંતે મીરપુરમાં નેપાળ સામેની મૅચમાં 18 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જોકે સાઉથ આફ્રિકાના ઓપનર સ્ટીવ સ્ટૉકે શનિવારે વન-ડેના જુનિયર વર્લ્ડ કપમાં સ્કૉટલૅન્ડ સામેની મૅચમાં ફક્ત 13 બૉલમાં 50 રન પૂરા કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
પંતે 2016માં નેપાળ સામેની મૅચમાં ઓપનિંગમાં રમીને 24 બૉલમાં પાંચ સિક્સર અને નવ ફોરની મદદથી 78 રન બનાવ્યા હતા. સ્ટૉકે શનિવારે 37 બૉલમાં આઠ સિક્સર અને સાત ફોરની મદદથી 86 રન ખડકી દીધા હતા. સ્કૉટલૅન્ડના સ્પિનર કાસિમ ખાને ઇનિંગ્સની ત્રીજી ઓવર કરી હતી જેમાં સ્ટૉકે પાંચ સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેની ફટકાબાજી આ મુજબની હતી: 6, 6, 6, 6, 4 અને 6. એ સાથે સ્ટૉકે હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
સ્કૉટલૅન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 269 રન બનાવ્યા ત્યાર બાદ યજમાન સાઉથ આફ્રિકાએ સ્ટૉકના 86 રન અને ડેવાઇન મારાઇસના અણનમ 80 રનની મદદથી માત્ર 27 ઓવરમાં ત્રણ વિકેટે 273 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
શનિવારની અન્ય મૅચોમાં પાકિસ્તાને ન્યૂ ઝીલૅન્ડને 10 વિકેટે અને ઝિમ્બાબ્વેએ નામિબિયાને આઠ વિકેટે હરાવ્યું હતું.