મૅચ પૂરી થતાં જ હરીફ ખેલાડીઓ બર્થ-ડે બૉય નેમાર સાથે સેલ્ફી લેવા દોડી આવ્યા!
બ્રાઝિલના ફૂટબોલરનું વિરાટ કોહલીની જેમ 12 વર્ષે નિષ્ફળ કમબૅક
સૅન્ટોસ (બ્રાઝિલ): બ્રાઝિલનો ટોચનો ફૂટબોલર નેમાર ઈજાને કારણે છેલ્લા થોડા મહિનાઓથી પરેશાન છે, પણ ઈજામાંથી મોટા ભાગે મુક્ત થયા બાદ તે બુધવારે ઘણા લાંબા સમય બાદ બાળપણની ક્લબ સૅન્ટોસ ફૂટબૉલ ક્લબની ટીમ વતી પાછો રમવા આવ્યો અને મૅચ જેવી પૂરી થઈ કે તરત જ હરીફ ટીમના ખેલાડીઓ આ સુપરસ્ટાર પ્લેયર સાથે સેલ્ફી પડાવવા તેની પાસે દોડી આવ્યા હતા અને નેમારે તેમને સેલ્ફી લેવા દીધી હતી.
નેમારનો બુધવારે જન્મદિન હતો. તે 33 વર્ષનો થયો છે. હમણાં સુધી તેનો સાઉદી અરેબિયાની અલ-હિલાલ ક્લબ સાથે કૉન્ટ્રૅક્ટ હતો, પરંતુ વારંવાર ઈજા થવાને લીધે નેમાર અલ-હિલાલ વતી સીઝનમાં માત્ર સાત મૅચ રમી શક્યો હતો અને એમાં તેનો પર્ફોર્મન્સ સાધારણ હતો. થોડા દિવસ પહેલાં જ અલ-હિલાલની ક્લબે નેમાર સાથેનો કૉન્ટ્રૅક્ટ અધવચ્ચેથી જ રદ કરી નાખતાં નેમાર સૅન્ટોસ સાથે છ મહિનાનો કરાર કરવામાં સફળ થયો છે.
ખરેખર તો નેમારની હાલત તાજેતરમાં વિરાટ કોહલીની રણજી ટ્રોફીમાં થઈ એવી થઈ છે. વિરાટ 12 વર્ષે હોમ-ટીમ દિલ્હી વતી રણજી ટ્રોફીમાં પાછો રમવા આવ્યો અને એમાં ફ્લૉપ ગયો હતો. જેમ ગયા અઠવાડિયે 12,000થી 15,000 પ્રેક્ષકો માત્ર વિરાટને રમતો જોવા રણજી મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં આવ્યા હતા.
નેમાર બુધવારે 12 વર્ષે સૅન્ટોસ વતી રમ્યો અને બૉટાફૉગો સામેની મૅચમાં એકેય ગોલ નહોતો કરી શક્યો. તેને રમતો જોવા 20,000 પ્રેક્ષકો સૅન્ટોસના સ્ટેડિયમમાં આવ્યા હતા. નેમાર આ પહેલાં 2013માં 21 વર્ષનો હતો ત્યારે તેણે સૅન્ટોસ ક્લબ છોડી હતી અને પ્રૉફેશનલ ફૂટબોલર બની જતાં વિશ્વભરમાં રમ્યો હતો અને કરોડો રૂપિયા કમાયો હતો.
આ પણ વાંચો…ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર કરી
સૅન્ટોસ-બૉટાફૉગો વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. બન્યું એવું કે ડ્રૉ તરફ જઈ રહેલી મૅચને અંતે રેફરીએ ફાઇનલ વ્હીસલ વગાડી કે તરત જ બૉટાફૉગો ટીમના ખેલાડીઓ નેમાર સાથે ફોટો પડાવવા તેની પાસે દોડી ગયા હતા.
નેમાર 21 વર્ષની ઉંમર સુધી સૅન્ટોસ ક્લબ વતી 225 મૅચ રમ્યો હતો જેમાં તેણે 138 ગોલ કર્યા હતા અને એ ક્લબને છ ટાઇટલ જિતાડી આપ્યા હતા.