શૉકિંગ ન્યૂઝ: અમેરિકામાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ રાખવાનું પરિણામ એ આવ્યું કે…
નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાઈ ગયેલા ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનનાર ભારતીય ટીમને 20 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું પ્રથમ ઇનામ મળ્યું તેમ જ બીસીસીઆઇ તરફથી કોચિંગ-સ્ટાફ તથા સપોર્ટ-સ્ટાફ સહિત આખી ટીમને કુલ 125 કરોડ રૂપિયાનું ખાસ ઇનામ પણ મળ્યું.
રનર-અપ ટીમ સાઉથ આફ્રિકાને 10 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ મળી અને ટૂર્નામેન્ટની બાકીની 18 ટીમ પણ નાનું-મોટું રોકડ ઇનામ લઈને સ્વદેશ પાછી ગઈ છે. જોકે પહેલી જ વખત ક્રિકેટ વર્લ્ડ કપના યજમાન બનેલા અમેરિકામાં આ મેગા ટૂર્નામેન્ટનું જે આયોજન થયું હતું એમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને બહુ મોટું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં ત્રણ સ્થળે (ન્યૂ યૉર્ક, ટેક્સસ, ફ્લોરિડા) વર્લ્ડ કપની કુલ મળીને 12 મૅચ રમાઈ હતી. બાકીની બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝના છ ટાપુમાં રમાઈ હતી. ભારત અને પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ મૅચ ન્યૂ યૉર્કમાં રમાઈ હતી.
આ પણ વાંચો: રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
આઇસીસીએ અમેરિકાના ત્રણ શહેરમાં વર્લ્ડ કપની મૅચો રાખવા પાછળ કુલ 15 કરોડ ડૉલર (12.53 અબજ રૂપિયા)નું બજેટ રાખ્યું હતું. જોકે આવકની સામે ખર્ચ ઘણો વધુ થયો હોવાનું બહાર આવ્યું છે.
19મી જુલાઈએ કોલંબોમાં આઇસીસીની વાર્ષિક પરિષદ યોજાશે અને એમાં આઇસીસી બોર્ડ નુકસાન પર ચર્ચા કરશે. ઑડિટીંગ હજી પૂરું ન થયું હોવાથી કેટલું નુકસાન થયું છે એનો ચોક્કસ આંકડો હમણાં જાણી નહીં શકાય. બોર્ડના અમુક સભ્યોનું એવું માનવું છે કે અમેરિકામાં વર્લ્ડ કપના આયોજન બાબતમાં લાખો ડૉલરનું નુકસાન થયું છે.
ટૂર્નામેન્ટ ડિરેકટર ક્રિસ ટેટ્લીએ રાજીનામું આપ્યું છે. જોકે તેમણે 49 વર્ષના આ બ્રિટિશરે ટૂર્નામેન્ટ પહેલાં જ રાજીનામું આપી દીધું હોવાનું મનાય છે, પરંતુ બોર્ડના કેટલાક મેમ્બર્સ તેમના પર્ફોર્મન્સથી ખુશ નહોતા.