બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડના મહાન ફાસ્ટ બોલર અને વિશ્ર્વના ટોચના ટેસ્ટ બોલર્સમાં 704 વિકેટ સાથે ત્રીજું સ્થાન ધરાવતા જેમ્સ ઍન્ડરસન પછીના બ્રિટિશ ક્રિકેટ યુગનો આરંભ થઈ ચૂક્યો છે. ઍન્ડરસને 21 વર્ષની શાનદાર કરીઅર માણીને ગયા શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી એ પછીની બ્રિટિશ ટીમની પહેલી મૅચ વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારે સિરીઝની શરૂ થઈ હતી. શ્રેણીની આ બીજી ટેસ્ટના ત્રીજા જ બૉલમાં ઇંગ્લૅન્ડનો ઓપનર ઝૅક ક્રૉવ્લી વિકેટ ગુમાવી બેઠો હતો. તેને પેસ બોલર અલ્ઝારી જોસેફે ત્રીજી સ્લિપમાં અથાનેઝના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ઇંગ્લૅન્ડ ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી આગળ છે. વેસ્ટ ઇન્ડિઝના સુકાની ક્રેગ બ્રેથવેઇટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.
બન્ને ટીમે ટીમની જાહેરાત સમયસર જાહેર કરી દીધી હતી, પરંતુ પછીથી કૅરિબિયન ટીમના સ્પિનર ગુડાકેશ મૉટીને ફ્લૂની બીમારી થતાં તેનું નામ ઇલેવનના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું અને તેના સ્થાને ઑફ-સ્પિનર કેવિન સિન્કલેરને ટીમમાં સમાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડના James Andersonએ Virat Kohliને કહ્યું Thank you… જાણો કેમ?
સિન્કલેરની અગાઉની એકમાત્ર ટેસ્ટ જાન્યુઆરીમાં ગૅબામાં ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી જેમાં તેણે 50 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે એ ટેસ્ટ જીતી લીધી હતી.
ઇંગ્લૅન્ડની ટીમમાં એકમાત્ર ફેરફાર કરાયો હતો. નિવૃત્ત ખેલાડી ઍન્ડરસનના સ્થાને ટીમના ફાસ્ટેસ્ટ બોલર માર્ક વૂડને અગિયારની ટીમમાં સમાવાયો હતો.
ત્રીજી અને છેલ્લી ટેસ્ટ આવતા અઠવાડિયે એજબૅસ્ટનમાં રમાશે. કૅરિબિયનોએ સિરીઝને બરાબરીમાં લાવવા હાલની બીજી ટેસ્ટ જીતવી જ પડશે.
લૉર્ડ્સમાં ગયા અઠવાડિયે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કૅરિબિયન ટીમ ફક્ત 121 રન અને 136 રન બનાવી શકી હતી અને બેન સ્ટૉક્સની ટીમે એક દાવ અને 114 રનથી વિજય મેળવ્યો હતો.