આઇપીએલ પછી બીજા જ દિવસથી વાનખેડેમાં સૂર્યા, શ્રેયસ, રહાણે, શિવમ, શાર્દુલ ધમાલ મચાવશે

મુંબઈઃ પચીસમી મેએ કોલકાતા ખાતેની ફાઇનલ સાથે આઇપીએલની 18મી સીઝન પૂરી થશે ત્યાર બાદ બીજા જ દિવસે (26મી મેએ) વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં ટી-20 મુંબઈ લીગ (MUMBAI LEAGUE)ની ત્રીજી સીઝન શરૂ થશે અને એમાં વર્તમાન આઇપીએલના મુંબઈના ઘણા ખેલાડીઓ રમશે.
સૂર્યકુમાર યાદવને ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નોર્થઈસ્ટ ટીમના આઇકન પ્લેયર તરીકે જાહેર કરાયો છે. શ્રેયસ ઐયર સૉબો મુંબઈ ફાલ્ક્નસ ટીમનો આઇકન પ્લેયર ઘોષિત કરાયો છે. આઠ ટીમ વચ્ચેની આ સ્પર્ધા વાનખેડે સ્ટેડિયમમાં 26 મેથી 8 જૂન સુધી રમાશે.
મુંબઈનો રણજી પ્લેયર અજિંક્ય રહાણે નમો બાંદરા બ્લાસ્ટર્સ ટીમ વતી રમશે, જ્યારે શિવમ દુબેને આર્ક્સ અંધેરી ટીમમાં સમાવવામાં આવ્યો છે.
ભારતનો ટેસ્ટ બૅટ્સમૅન સરફરાઝ ખાન આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ ટીમમાં, તુષાર દેશપાંડે મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ ટીમમાં અને શાર્દુલ ઠાકુર ઇગલ થાણે સ્ટ્રાઇકર્સ ટીમમાં છે. ઓપનિંગ બૅટ્સમૅન પૃથ્વી શૉ નોર્થ મુંબઈ પૅન્થર્સ ટીમમાં સામેલ છે.
મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ના પ્રમુખ અજિંક્ય નાઇકે શુક્રવારે જણાવ્યું હતું કે `ટી-20 મુંબઈ લીગ માટે અમને કુલ 2,800 અરજી મળી હતી જેમાંથી 400 ખેલાડીઓની ટૂંકી યાદી બનાવવામાં આવી છે અને તેમના માટે સાતમી મેએ મુંબઈમાં ઑક્શન યોજાશે.’
અજિંક્ય નાઇકે સમર્થન આપતા જણાવ્યું હતું કે આ લીગમાં ભાગ લેનાર પ્રત્યેક ભારતીય ખેલાડીને 20 લાખ રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 20મી જૂનથી ઇંગ્લૅન્ડમાં ભારતની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે.
આ પણ વાંચો: 12 વર્ષે શ્રીસાન્ત પર ફરી પ્રતિબંધ, ફિક્સિંગની વાત ફરી ચગાવાઈઃ જાણો, શું છે આખો મામલો…