મુંબઈના ટીનેજરની તોફાની ફટકાબાજી, ટૉપ-સ્કોરર બન્યો અને ધવનની બરાબરીમાં આવી રહ્યો છે
બ્લોમફોન્ટેન: મુંબઈનો બૅટર સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે હવે તો ટીમ ઇન્ડિયામાં તેણે જગ્યા પણ મેળવી લીધી છે ત્યારે બીજી બાજુ તેનો નાનો ભાઈ સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નામ રોશન કરી રહ્યો છે.
મુશીર ખાન બ્લોમફોન્ટેનનું સ્ટેડિયમમાં વારંવાર ફટકાબાજી કરીને પ્રેક્ષકોમાં રોમાંચ ફેલાવી રહ્યો છે. 20 જાન્યુઆરીએ બંગલાદેશ સામેની લીગ મૅચમાં ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થયો હતો, પણ પછી તેનો પર્ફોર્મન્સ એવો તો ક્લિક થયો કે બધા જ હરીફ દેશો જોતા રહી ગયા. પચીસમી જાન્યુઆરીએ બ્લોમફોન્ટેનમાં તેણે આયરલૅન્ડ સામે મૅચ-વિનિંગ 118 રન બનાવ્યા અને 28મી જાન્યુઆરીએ અમેરિકા સામે 73 રન ખડકી દીધા હતા.
ભારતીય ટીમને સુપર-સિક્સ રાઉન્ડમાં પહોંચાડવામાં તેનું બહુ મોટું યોગદાન છે અને મંગળવારે ન્યૂ ઝીલૅન્ડ સામે આ નવા રાઉન્ડની પહેલી જ મૅચમાં તેણે ફરી ધમાલ મચાવી. તે 179 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહ્યો અને 126 બૉલમાં ત્રણ સિક્સર અને તેર ફોરની મદદથી 131 રન તો બનાવ્યા, તે અન્ડર-19 વર્લ્ડ કપની એક સીઝનમાં એકથી વધુ સદી ફટકારનારા ભારતીયોમાં શિખર ધવન પછી બીજા નંબરે છે.
ધવને 2004ના જુનિયર વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી હતી. મુશીરની આ વખતે બે સેન્ચુરી થઈ ગઈ છે અને હવે ત્રીજી ફટકારશે એટલે ધવનની હરોળમાં આવી જશે. વિરાટ કોહલીએ 2008ના જુનિયર વર્લ્ડ કપમાં એક, ચેતેશ્ર્વર પૂજારાએ 2006માં એક, રિષભ પંતે 2016માં એક, શુભમન ગિલે 2018માં એક, યશસ્વી જયસ્વાલે 2020માં એક સેન્ચુરી ફટકારી હતી.
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 505 રન બનાવનાર ભારતીયોમાં ધવન મોખરે છે અને મુશીર ખાન તેના એ રેકૉર્ડને ઓળંગી શકે એમ છે.
મુશીરના 131 રનની મદદથી ભારતે મંગળવારે બ્લોમફોન્ટેનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 8 વિકેટે 295 રન બનાવ્યા હતા.
મુશીર ખાનના આ વખતના અન્ડર-19 વર્લ્ડ કપમાં કુલ 325 રન થયા છે અને એ સાથે તેણે પાકિસ્તાનના શાહઝૈબ ખાન (223 રન)ને ઓળંગી લીધો છે. મુશીર હવે બીજા 181 રન બનાવશે એટલે એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ધવનના રેકૉર્ડને ઓળંગી શકશે.