ભારત સામે રમનારી બ્રિટિશ ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી અચાનક સ્વદેશ પાછો જતો રહ્યો
હૈદારબાદ: ભારત સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાને માંડ ત્રણ દિવસ આડા છે ત્યારે ઇંગ્લૅન્ડનો મુખ્ય બૅટર હૅરી બ્રૂક અંગત કારણસર સ્વદેશ પાછો જતો રહ્યો છે.
અમુક અહેવાલમાં જણાવાયું હતું કે બ્રૂક પાંચ મૅચની આખી ટેસ્ટ-શ્રેણીમાંથી નીકળી ગયો છે. બીજો અહેવાલ કહે છે કે પાછલી કેટલીક મૅચોમાં રમવા તે કદાચ ભારત આવશે.
12 ટેસ્ટમાં ચાર સદીની મદદથી 1181 રન બનાવનાર બ્રૂકના સ્થાને 11 ટેસ્ટમાં 551 રન બનાવી ચૂકેલા બૅટર ડૅન લૉરેન્સને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.
બ્રૂકે તાબડતોબ ઇંગ્લૅન્ડ પાછા જતા રહેવું પડ્યું છે અને તેના ફૅમિલીએ વિનંતી કરી છે કે હૅરીએ ભારતમાંની સિરીઝ છોડીને તત્કાળ પાછા આવી જવું પડ્યું એ પાછળના તેના આશયનું માન જાળવવું જોઈએ.
ભારતમાં એક દાયકાથી પણ વધુ સમયથી કોઈ પણ દેશની ટીમ ટેસ્ટ-સિરીઝ નથી જીતી શકી અને એ પરંપરા તોડવાના મનસૂબા સાથે ઇંગ્લૅન્ડની ટીમ ભારતમાં આવી છે, પરંતુ હૅરી બ્રૂકની બાદબાકીથી હવે બ્રિટિશ ટીમે ભારતને શ્રેણી હરાવવા લોઢાના ચણા ચાવવા પડશે.
ઇંગ્લૅન્ડની ટીમે ભારતના હવામાનથી અનુકૂળ બનવાના હેતુથી છેલ્લા દસ દિવસ અબુ ધાબીમાં વીતાવ્યા અને હવે સોમવારે હૈદરાબાદમાં પ્રૅક્ટિસ શરૂ કરશે. હૅરી બ્રૂક દુબઈથી જ લંડન જવા રવાના થઈ ગયો હતો.