સ્પોર્ટસ

ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…

લીડ્સ: ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો સચિન તેન્ડુલકર નિવૃત્ત થયો એને 12 વર્ષ થઈ ગયા એમ છતાં દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલો-દિમાગમાં તેની પ્રતિભા અગાઉ જેવી જ અકબંધ છે અને હવે તો એક ટ્રોફીને તેનું નામ મળી રહ્યું હોવાથી તેનું નામ સદા ગૂંજતું રહેશે. વાત એવી છે કે હવેથી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) અને જેમ્સ ઍન્ડરસન (James Anderson)ના નામે ઓળખાશે.
ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝ અત્યાર સુધી ‘પટૌડી ટ્રોફી’ તરીકે ઓળખાતી હતી. જોકે હવેથી ‘ઍન્ડરસન- તેન્ડુલકર ટ્રોફી’ તરીકે ઓળખાશે.
અત્યાર સુધી આ સિરીઝ ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન ઈફ્તીખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીના નામ પરથી ‘પટૌડી ટ્રોફી’ના (Pataudi TROPHY) નામે ઓળખાતી હતી. ભારતમાં ઈંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણી વખતે આ ટ્રોફી ‘ઍન્થની ડિ’મેલો ટ્રોફી’ તરીકે જાણીતી હતી. ઍન્થની ડિ’મેલો બીસીસીઆઈના સ્થાપકોમાંથી એક હતા.

ટ્રોફીનું બુધવાર, 11મીએ બપોરે અનાવરણ

એવું જાણવા મળ્યું છે કે 11મી જૂને લૉર્ડ્સ (LORD’S)માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઈનલના પ્રસંગે સચિન તેન્ડુલકર અને જેમ્સ ઍન્ડરસન પોતાના નામવાળી ટ્રોફીનું અનાવરણ કરશે. આ ફાઈનલ મૅચ 11મી જૂને ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

બન્ને લેજન્ડની કરીઅર પર એક નજર…

સચિને 24 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં હાઈએસ્ટ 200 ટેસ્ટ રમીને સૌથી વધુ 15,921 રન કર્યા હતા જેમાં હાઈએસ્ટ 51 સેન્ચુરી સામેલ હતી. ઈંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને 21 વર્ષની કરીઅરમાં 188 ટેસ્ટ રમીને 704 વિકેટ લીધી હતી જે વિશ્વભરના પેસ બોલર્સમાં હાઈએસ્ટ છે.

આપણ વાંચો:  ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ થવો જ ન જોઈએ, હું હંમેશાં વિરોધી રહ્યો છુંઃ ગૌતમ ગંભીર

ભારત-ઈંગ્લૅન્ડ સિરીઝ 20મી જૂનથી

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ 20મી જૂને શરૂ થશે. પ્રથમ ટેસ્ટ લીડ્સમાં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર રમાશે.

બીજી બે ટ્રોફીને લેજન્ડ્સના નામ મળ્યા છે…

ઉલ્લેખનીય છે કે ઈંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ‘ક્રો-થોર્પ ટ્રોફી’ના નામે ઓળખાય છે, જયારે ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝ ‘બોર્ડર-ગાવસકર ટ્રોફી’ના નામે રમાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button