ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાને આટલા લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે
મૉનેકો: દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ઍથ્લીટને કેન્દ્ર સરકાર તરફથી તેમ જ સંબંધિત રાજ્ય સરકાર તરફથી મસમોટું ઇનામ આપવામાં આવતું હોય છે, પરંતુ હવે તો ઍથ્લેટિક જગતની સર્વોચ્ચ સંસ્થા વર્લ્ડ ઍથ્લેટિક્સે મોટું ઇનામ જાહેર કર્યું છે એટલે આગામી 26મી જુલાઈએ ફ્રાન્સના પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક્સ માટેની તૈયારી કરી રહેલા ઍથ્લીટ્સમાં નવું જોમ આવશે.
વર્લ્ડ ઍથ્લેટિક્સે જાહેર કર્યું છે કે ઑલિમ્પિક્સની 48 ઍથ્લેટિક ઇવેન્ટમાં વિશ્ર્વનો કે વિશ્ર્વની જે પણ ઍથ્લીટ ગોલ્ડ મેડલ જીતશે તેને 50,000 ડૉલર (41.60 લાખ રૂપિયા)નું ઇનામ અપાશે.
આપણ વાંચો: વેઇટલિફ્ટર અચિન્તા રાત્રે મહિલાઓની હોસ્ટેલમાં પ્રવેશ્યો એટલે ઑલિમ્પિક્સના કૅમ્પમાંથી હકાલપટ્ટી કરાઈ
2028ની લૉસ ઍન્જલસ (એલએ) ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાને પણ સ્પેશિયલ ઇનામ આપવામાં આવશે.
ભાલાફેંકની રમતનો સમાવેશ ઍથ્લેટિક્સમાં થાય છે અને ભારતનો નીરજ ચોપડા ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ સુવર્ણચંદ્રક જીતશે એવી આશા છે.
વર્લ્ડ ઍથ્લેટિક્સે 41.60 લાખ રૂપિયાની જે પ્રાઇઝ મની સંભવિત ગોલ્ડ મેડલિસ્ટને આપવાની જાહેરાત કરી એ સાથે ઑલિમ્પિક ગેમ્સમાં પ્રાઇઝ મની જાહેર કરનાર પ્રથમ ઇન્ટરનૅશનલ ફેડરેશન છે.