મુંબઈએ સવા મહિના પહેલાંની હારનું સાટું વાળવાનું છે: બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન પર એક નજર
મુંબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટેબલ-ટૉપર રાજસ્થાન રૉયલ્સને માત્ર એક રનથી હરાવીને જબરદસ્ત જુસ્સા સાથે મુંબઈ આવી છે અને સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સે સતત બીજી વાર હરાવવાના મૂડમાં છે. જોકે તળિયાના સ્થાને હોવા છતાં મુંબઈની ટીમ હૈદરાબાદની બાજી બગાડશે તો નવાઈ નહીં લાગે.
હૈદરાબાદે આ આઇપીએલમાં ટીમ-સ્કોરના વિક્રમ રચવાની શરૂઆત મુંબઈ સામેની મૅચથી જ કરી હતી. 27મી માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સે બૅટિંગ મળ્યા પછી ત્રણ વિકેટે 277 રન બનાવ્યા હતા અને એ સાથે બેન્ગલૂરુનો 11 વર્ષ જૂનો ટીમ-સ્કોર (263/5)નો વિક્રમ તૂટ્યો હતો.
હવે મુંબઈએ હૈદરાબાદને હોમ-ગ્રાઉન્ડ પર હરાવવાનું છે અને એવું કરવા જતાં મુંબઈની ટીમે આગામી ટી-20 વર્લ્ડ કપની ટીમના ચાર ખેલાડીઓના પર્ફોર્મન્સની પરીક્ષા આપવી પડશે. રોહિત શર્મા વર્લ્ડ કપની ટીમનો કૅપ્ટન છે, જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે. સૂર્યકુમાર યાદવ ટી-20 ઇન્ટરનૅશનલ્સનો વર્લ્ડ નંબર-વન બૅટર છે, જ્યારે જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર છે.
આ ચારેય ખેલાડીએ વાનખેડેમાં હૈદરાબાદને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સને આશ્ર્વાસન વિજય અપાવવો પડશે.
હૈદરાબાદના ભુવનેશ્ર્વર કુમારને ટી-20 ફૉર્મેટમાં 300મી વિકેટ માટે ત્રણ શિકારની જરૂર છે. જયદેવ ઉનડકટ એક વિકેટ લેશે એટલે આઇપીએલમાં તેની 100 વિકેટ પૂરી થશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
મુંબઈ: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, રોમારિયો શેફર્ડ/મોહમ્મદ નબી, જેરાલ્ડ કૉએટ્ઝી, પીયૂષ ચાવલા અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર: નુવાન થુશારા.
હૈદરાબાદ: પૅટ કમિન્સ (કૅપ્ટન), હિન્રિચ ક્લાસેન (વિકેટકીપર), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સામદ, શાહબાઝ અહમદ, માર્કો યેનસેન, ભુવનેશ્ર્વર કુમાર અને ટી. નટરાજન. 12મો પ્લેયર: જયદેવ ઉનડકટ/મયંક માર્કન્ડે.