રોહિત શર્માની કૅપ્ટન્સીને ઉતારી પાડવામાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સુકાનીએ કંઈ જ બાકી ન રાખ્યું

હૈદરાબાદ: ફક્ત ચાર જ દિવસમાં પૂરી થયેલી હૈદરાબાદની ટેસ્ટમાં ભારતીય બૅટર્સનો પર્ફોર્મન્સ સારો નહોતો એમાં કોઈ બેમત નથી, પણ ઇંગ્લૅન્ડ સિરીઝની એક મૅચ જીતે એમાં એના ભૂતપૂર્વ ખેલાડીઓ હવામાં ઉડવા માંડે કે હરીફ ટીમને વખોડવા લાગે એ વાત પણ સૌ કોઈ સારી રીતે જાણે છે અને એ બધામાં માઇકલ વૉન અગ્રેસર હોય છે.
ભારત 190 રનની સરસાઈ લીધા પછી પણ છેવટે 28 રનના ટૂંકા માર્જિનથી હારી ગયું હતું. વિરાટ કોહલી અંગત કારણસર પહેલી બે ટેસ્ટમાંથી નીકળી ગયો છે.
રોહિત શર્માની બૅટિંગ (24 અને 39 રન) નબળી હતી, પણ વૉને તેની કૅપ્ટન્સીની ભરપૂર ટીકા કરી છે. વૉને કહ્યું, ‘જો વિરાટ કોહલી હૈદરાબાદની ટેસ્ટમાં રમ્યો હોત અને કૅપ્ટન હોત તો ભારત હાર્યું ન હોત. મેં જોયું કે રોહિત મૅચ દરમ્યાન પૂર્ણપણે સ્વિચ-ઑફ હતો. રોહિત દિગ્ગજ અને મહાન ખેલાડી છે, પરંતુ તે મૅચ દરમ્યાન સક્રિય નહોતો. તેની કૅપ્ટન્સી ઍવરેજ હતી. તે રિએક્ટિવ નહોતો. મને લાગ્યું કે તેણે તેના ટાસ્કમાં કંઈ જ નહોતું કર્યું. હું તો કહું છું કે ભારતીય ટીમે વિરાટની કૅપ્ટન્સીને ખૂબ મિસ કરી હતી.’
માઇકલ વૉને ‘ધ ટેલિગ્રાફ’માં પોતાની કૉલમમાં એવું પણ લખ્યું છે કે ‘ઑલી પૉપ કમાલનું રમ્યો. તેના સ્વીપ કે રિવર્સ-સ્વીપનો ટીમ ઇન્ડિયા પાસે કોઈ જવાબ નહોતો.’
બીજી ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી બીજી ટેસ્ટ માટેની ભારતની સંભવિત ઇલેવન આ મુજબની હોઈ શકે:
રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ/રજત પાટીદાર, શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન, કેએસ ભરત (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્ર્વિન, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.