સ્પોર્ટસ

૩૪૯ બૉલમાં ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ થઈ પૂરી, ૧૨૨ વર્ષમાં પહેલી વાર બન્યું

ભારતે લીડ લીધા પછી બૅટિંગમાં શરમજનક પર્ફોર્મ કર્યું ક ૧૧ બૉલમાં છેલ્લી ૬ વિકેટ પડતાં રચાયો વિશ્ર્વવિક્રમ ક ૧૫૩ રન પર ૪ વિકેટ અને ૧૫૩ રન પર જ પડી ૧૦મી વિકેટ ક ૬ ભારતીય બૅટર્સના ઝીરો

બોલર ઑફ ધ ડે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર

કેપ ટાઉન : ભારતે અહીં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે યજમાન સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં ઑલઆઉટ કરી નાખ્યું ત્યારે ભારતીય ટીમ અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના આનંદનો પાર નહોતો. જોકે ત્યાર પછી જે બન્યું એનાથી ભારતીય ટીમે પોરસાવા જેવું તો ખરું, પણ સાથે-સાથે નામોશી પણ થઈ.

સાઉથ આફ્રિકાની ટીમ પંચાવન રનના સ્કોર પર ઑલઆઉટ થયું એ ભારત સામેનો સાઉથ આફ્રિકાનો લોએસ્ટ સ્કોર છે જ, આ પહેલાં ભારત સામે ક્યારેય કોઈ ટીમ આટલા નીચા સ્કોર પર આઉટ નહોતી થઈ.

મુખ્ય વાત એ છે કે ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ સૌથી ઓછા બૉલમાં પૂરી થઈ ગઈ હોય એમાં વર્તમાન ટેસ્ટની પ્રથમ બે ઇનિંગ્સ બીજા નંબરે છે. સાઉથ આફ્રિકાનો દાવ પૂરો થયા પછી ભારતનો પણ દાવ પૂરો થઈ ગયો એટલે કુલ મળીને ૩૪૯ બૉલમાં આ બે ઇનિંગ્સ સમાપ્ત થઈ. ૧૯૦૨ની સાલમાં (૧૨૨ વર્ષ પહેલાં) મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટના પહેલા બે દાવ માત્ર ૨૮૭ બૉલમાં પૂરા થઈ ગયા હતા અને એ વિશ્ર્વવિક્રમ છે.

બુધવારે સાઉથ આફ્રિકાનો દાવ પંચાવન રનમાં પૂરો થયા પછી ભારતે સારી લડત આપવાની શરૂઆત કરી હતી, પરંતુ ટીમનો સ્કોર ૧૫૩ રન હતો અને ત્યારે વિકેટ માત્ર ૪ પડી હતી એ તબક્કે (૧૫૩ રનના એ જ સ્કોર પર) એક પછી એક વિકેટ પડવાની શરૂ થઈ અને જોતજોતામાં ભારતનો સ્કોર એ જ સ્કોર પર (૧૫૩ રને) સમેટાઈ ગયો હતો. એક જ ટીમ-સ્કોર પર છ વિકેટ પડી હોય એવું પહેલી જ વાર બન્યું છે.

૧૧ બૉલમાં છેલ્લી ૬ વિકેટ પડી ગઈ હતી. એમાં ટીમના ટૉપ-સ્કોરર વિરાટ કોહલી (૫૯ બૉલમાં ૪૬ રન)પણ સામેલ હતો. છમાંથી ત્રણ વિકેટ ઍન્ગીડીએ અને બે રબાડાએ લીધી હતી. સિરાજ રનઆઉટ થયો હતો. આખી ઇનિંગ્સમાં રબાડા, ઍન્ગિડી, બર્ગરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ચોથા ફાસ્ટ બોલર યેનસેનને ૨૯ રનમાં વિકેટ નહોતી મળી.
ભારતની ૧૦ વિકેટમાંથી ૬ બૅટર ઝીરોમાં આઉટ થયા હતા : યશસ્વી જયસ્વાલ-૦, શ્રેયસ ઐયર-૦, રવીન્દ્ર જાડેજા-૦, જસપ્રીત બુમરાહ-૦, મોહમ્મદ સિરાજ-૦ અને પ્રસિદ્ધ ક્રિષ્ના-૦. મુકેશ કુમાર શૂન્ય પર અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકાની પંચાવન રનની ઇનિંગ્સ ૨૩.૨ ઓવરમાં અને ભારતની ૧૫૩ રનની ઇનિંગ્સ ૩૪.૫ ઓવરમાં પૂરી થઈ હતી.

ભારતનું વિકેટ પતન
યશસ્વી જયસ્વાલ – ૧૭/૧
રોહિત શર્મા – ૭૨/૨
શુભમન ગિલ – ૧૦૫/૩
શ્રેયસ ઐયર – ૧૧૦/૪
કેએલ રાહુલ – ૧૫૩/૫
રવીન્દ્ર જાડેજા – ૧૫૩/૬
જયપ્રીત બુમરાહ – ૧૫૩-૭
વિરાટ કોહલી – ૧૫૩/૮
મોહમ્મદ સિરાજ – ૧૫૩/૯
પ્રસિદ્ધ ક્રિષ્ના – ૧૫૩/૧૦

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button