ઐય્યર-ઈશાનને પડતા મૂકવાનો ‘વિવાદ’: હવે કીર્તિ આઝાદે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કીર્તિ આઝાદે ગુરુવારે ક્રિકેટરો માટે રણજી ટ્રોફી રમવાના બીસીસીઆઈના નિર્દેશને સમર્થન આપતા કહ્યું હતું કે આ એક સારી શરૂઆત છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ સભ્ય પર લાગુ પડવું જોઈએ. રણજી ટ્રોફીમાં નહી રમવાના કારણે ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરે તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા હતા.
આઝાદે કહ્યું હતું કે આ નિર્દેશ ખૂબ જ સારી શરૂઆત છે. દરેક વ્યક્તિએ રણજી ટ્રોફી રમવી જોઈએ. પાંચ દિવસીય ક્રિકેટ એ વાસ્તવિક ક્રિકેટ છે. ડોમેસ્ટિક ક્રિકેટ રમવું એ સારી વાત છે.
તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ખેલાડીઓ પાસે સમય હોય ત્યારે તેઓએ તેમના રાજ્ય માટે રણજી ક્રિકેટ રમવું જોઈએ. રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી. રાજ્યએ તમને ખેલાડી બનવાની તક આપી જેથી તમે દેશ માટે રમી શકો.
જો કે તેમણે કહ્યું હતું કે માત્ર ઈશાન અને શ્રેયસને જ સજા કરવી યોગ્ય નથી. માત્ર બેને સજા કરવી યોગ્ય નથી. દરેકને સજા થવી જોઈએ. દરેકને સમાન રીતે જોવાં જોઈએ. આઝાદે ઈશાન અને શ્રેયસ માટે હવે ટીમના દરવાજા બંધ થઇ ગયા છે કે નહી તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે મારો પ્રશ્ન એ છે કે શું તે પર્યાપ્ત સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છે. તેઓ ટી-20 ક્રિકેટ રમી રહ્યા છે અને દરેક રાજ્યમાં ટી-20 ક્રિકેટ લીગ છે. જ્યારે અમે રમતા હતા ત્યારે તમામ સભ્યો રાજ્ય માટે રમતા હતા અને તેમાં ગર્વ અનુભવતા હતા પરંતુ હવે એવું નથી. તેમણે ટી-20 ક્રિકેટ અને રણજી ટ્રોફી વચ્ચે સંતુલન જાળવવા બદલ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનની પ્રશંસા કરી હતી.