IPL 2024સ્પોર્ટસ

ટેસ્ટના સાથીઓ યશસ્વી અને પડિક્કલ હવે જયપુરમાં આમનેસામને

જયપુર: પંદર દિવસ પહેલાં ટૉપ-ઑડર્ર્રના બૅટર્સ યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે ધરમશાલામાં હાફ સેન્ચુરી ફટકારીને ભારતને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટ જિતાડવામાં મહત્ત્વના યોગદાન આપ્યા હતા, પરંતુ રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) તેઓ જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આમનેસામને રમશે. યશસ્વી રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ની ટીમમાં અને પડિક્કલ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમમાં છે અને આજે બન્ને ટીમ વચ્ચે જયપુરમાં મુકાબલો છે.
બન્ને ટીમ એકમેક સામે અત્યાર સુધીમાં ત્રણ મૅચ રમી છે જેમાંથી બે મૅચમાં રાજસ્થાનનો અને એક મૅચમાં લખનઊનો વિજય થયો છે.

લખનઊનો સુકાની કેએલ રાહુલ ઈજામાંથી મુક્ત થઈને પાછો રમવા આવ્યો છે. જોકે પોણાબે મહિનાની આઇપીએલ દરેક ખેલાડીએ રમવા ઉપરાંત વારંવાર પ્રવાસ કરવાનો હોવાથી થકવી નાખનારી હોય છે એ જોતાં રાહુલ ફૉર્મમાં રહેવા ઉપરાંત ફિટનેસ કેટલી જાળવે છે એ મોટો સવાલ છે.

રાહુલને હમણાં તો માત્ર બૅટિંગ કરવાની સલાહ અપાઈ હોવાથી તેના સ્થાને ડિકૉક અથવા પૂરન વિકેટકીપિંગ કરશે. સ્ટોઇનિસ, બદોની, માયર્સ, દીપક હૂડા, બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, શિવમ માવી વગેરે લખનઊની ટીમમાં છે. બીજી તરફ, વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનની રાજસ્થાનની ટીમમાં બટલર, શુભમ દુબે, હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પોવેલ, અશ્ર્વિન, તનુષ કોટિયન, બૉલ્ટ, આવેશ, ચહલ તથા કુલદીપ સેન વગેરે સામેલ છે.
ટૂંકમાં, બન્ને ટીમ પાસે અનુભવીઓ તેમ જ યુવાનો મળીને એટલા બધા સ્ટાર ખેલાડીઓ છે કે એમાંથી ઇલેવન પસંદ કરવાનું કામ તેમના માટે મીઠી મૂંઝવણ બની રહેશે.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર જસ્ટિન લૅન્ગર લખનઊની ટીમના કોચના રૂપમાં આઇપીએલમાં પહેલું જ અસાઇનમેન્ટ સંભાળી રહ્યા છે જેમાં તેમના ખેલાડીઓની સાથે તેમની પણ કસોટી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button