ટેસ્ટ ટીમ જાહેર: કોણે કર્યું કમબૅક અને કોને મળ્યો મોકો?
નવી દિલ્હી: આગામી 19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે રમાનારી બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પહેલા મુકાબલા માટે રવિવારે મોડી રાત્રે ટીમ જાહેર કરી હતી.
કેએલ રાહુલ જાન્યુઆરી, 2024 બાદ ફરી ટેસ્ટ ટીમમાં કમબૅક કરી રહ્યો છે. રિષભ પંત 2022ના કાર અકસ્માત બાદ પહેલી વાર ટેસ્ટમાં રમતો જોવા મળશે.
જોકે મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજા બાદ હજી પૂરો ફિટ નથી થયો એટલે તેને 16 ખેલાડીની ટીમમાં નથી સમાવાયો. જોકે 26 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર યશ દયાલને પહેલી વખત ભારત વતી રમવાનો મોકો મળી રહ્યો છે. પેસ બોલર આકાશ દીપે ટેસ્ટ ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે.
છેલ્લે ભારતનો ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં મુકાબલો થયો હતો અને એ સિરીઝની ભારતીય ટીમમાંથી રજત પાટીદાર, વિકેટકીપર કેએસ ભરત, દેવદત્ત પડિક્કલ અને મુકેશ કુમારને પડતા મૂકવામાં આવ્યા છે.
ભારતીય ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને યશ દયાલ.