ભારતીય ડ્રેસિંગ રૂમમાં તણાવ! કોહલી-રોહિત અને ગંભીર વચ્ચે બધું બરાબર નથી, BCCI પણ નારાજ

મુંબઈ: ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચનીઓ સિરીઝમાં વ્હાઈટ વોશ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ODI સિરીઝની શાનદાર શરૂઆત કરી છે, જેને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં વ્યાપેલો રોષ થોડો શાંત થયો છે. ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં 17 રનથી જીત મેળવીને ભારતીય ટીમે 1-0 લીડ મેળવી લીધી છે, ચાહકોને આશા છે કે ભારતીય ટીમ આ પ્રદર્શન જાળવી રાખે, પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂમ અંગે ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે.
એક અહેવાલ મુજબ ભારતીય ODI ટીમના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ તણાવ ભર્યું છે. ODI ટીમમાં બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીને કારણે ડ્રેસિંગ રૂમમાં પાવર ડાયનેમિક બદલાઈ ગયું છે. અહેવાલ મુજબ, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના રોહિત અને વિરાટ સાથેના સંબંધ બરોબર નથી.
વાતચીતનો અભાવ:
એક અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું કે ગૌતમ ગંભીરના બંને સિનિયર ખેલાડીઓ સાથે સંબંધો જેવા હવા જોઈએ એટલા સારા નથી. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ODI મેચ દરમિયાન કોહલી અને ગંભીર વચ્ચે ખુબ જ ઓછી વાત થઇ હતી. બંને ખેલાડીઓના ભવિષ્ય અંગે રાયપુર અથવા વિશાખાપટ્ટનમમાં બેઠક યોજાઈ શકે છે.
અહેવાલમાં સુત્રોને ટાંકીને આવો પણ દાવો કરવામાં આવ્યો કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રોહિત અને BCCI ચીફ સિલેક્ટર અજિત અગરકર વચ્ચે સારા સંબંધો સારા ન હતાં. બંને વચ્ચે બિલકુલ વાતચીત થઇ ન હતી.
અહેવાલ મુજબ કોહલી અને રોહિતના ચાહકો સોશિયલ મીડિયા પર જે રીતે ગંભીરની ટીકા કરી રહ્યા છે, તેનાથી BCCI પણ નારાજ છે.
ગંભીર અને કોહલીના સંબંધો:
ગંભીર અને કોહલીના તાણવ ભર્યા સંબંધોની વાત જૂની છે. IPL 2013 અને 2023માં બંને વચ્ચે મેદાન પર ઝઘડા થયા હતા. ગંભીરે ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યભાર સાંભળ્યા બાદ, બંને મતભેદો ભૂલીને સાથે આવ્યા હતાં. BCCIએ શેર કરેલા એક વિડીયો બંને સાથે ભારતીય ટીમના ભવિષ્યને મજબુત બનાવવાની વાત કરી હતી. જો કે બાદમાં પવેલિયનમાં કે પ્રેક્ટીસ દરમિયાન બંને વધુ સાથે દેખાયા ન હતાં. કોહલી અને રોહિતે એક અઠવાડિયાની અંદર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતાં. જેના માટે ચાહકો ગંભીરને જવાબદાર ઠેરવી રહ્યા છે.



