ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો!
નવી દિલ્હીઃ ટેનિસમાં સિંગલ્સના બાવીસ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો મહાન ખેલાડી સ્પેનનો 38 વર્ષીય રાફેલ નડાલ નિવૃત્તિ લઈ રહ્યો છે અને ઘરઆંગણે મલાગામાં તેની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો છે. સ્પેન-નેધરલૅન્ડ્સનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ આજે શરૂ થવાનો હોવાથી સૌની નજર નડાલ પર જ હતી.
નડાલે થોડા મહિના પહેલાં જ જાહેર કર્યું હતું કે ડેવિસ કપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે.
ડેવિસ કપ એટલે ટેનિસનો વર્લ્ડ કપ અને એમાં ટોચની આઠ ટીમ વચ્ચેનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં સ્પેનનો મુકાબલો નેધરલૅન્ડસ સામે થવાનો છે.
આ પણ વાંચો : ફરી ડિસેમ્બર મહિનો, ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી અને શેફાલી વર્માને…
નડાલ સ્પેનના પાંચ ડેવિસ કપ ટાઇટલનો સાક્ષી છે જેમાં છેલ્લું ચૅમ્પિયનપદ સ્પેનને 2019ની સાલમાં મળ્યું હતું.
નડાલે તાજેતરમાં જાહેર કરી દીધું હતું કે જો તેની તબિયત સારી નહીં હોય તો તે સિંગલ્સમાં નહીં રમે.
ડબલ્સમાં તેને સ્પેનના સાથી ખેલાડી કાર્લોસ અલ્કારાઝ સાથેની જોડીમાં રમવાનું કહેવામાં આવશે એવી બે દિવસથી ચર્ચા હતી.