તેજસ્વિનીએ તેજ ફેલાવ્યું, ગોલ્ડ જીતીને ભારતને ચીન કરતાં આગળ લાવી દીધું

સુલ (જર્મની): ભારતની 20 વર્ષીય તેજસ્વિની (Tejaswini) નામની શૂટરે અહીં આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપ (ISSF JUNIOR WORLD CUP)માં કમાલ કરી નાખી. તેણે મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (GOLD MEDAL) જીતી લીધો એ સાથે ભારતના કુલ સુવર્ણ ચંદ્રકની સંખ્યા ત્રણ ઉપર પહોંચી અને આ મેડલ થકી ભારતે પૉઇન્ટ્સ-ટેબલમાં ચીનને પાછળ ધકેલીને મોખરાનું સ્થાન મેળવી લીધું હતું.
ભારતના ત્રણ ગોલ્ડની જેમ ચીનના પણ ત્રણ ગોલ્ડ હતા. જોકે ચીન પાસે બીજો માત્ર એક બ્રૉન્ઝ હતો, જ્યારે ભારત પાસે ચાર સિલ્વર તેમ જ એક બ્રૉન્ઝ પણ હતો એટલે ભારતે અવ્વલ સ્થાન હાંસલ કર્યું.
હરિયાણાની તેજસ્વિનીએ ફાઇનલ રાઉન્ડમાં 31 શૉટ (31 SHOT) સાથે તટસ્થ ઍથ્લીટ તરીકે સ્પર્ધામાં ભાગ લઈ રહેલી અલિના (29 શૉટ)ને પાછળ રાખી દીધી હતી. હંગેરીની મિરિયમ યાકો (23 શૉટ) બ્રૉન્ઝ જીતી હતી.
ભારતે આ સાથે છેલ્લી પાંચમાંથી ચાર જુનિયર શૂટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એમાં 2023ના વર્લ્ડ કપ તથા જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપ પણ સામેલ છે.