WTC ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પર નિર્ભર, જાણો નવું સમીકરણ
મુંબઈ: પહેલા ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી સિરીઝ હાર, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં હાર બાદ, ભારતીય ટીમની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહોંચવાની આશાને ધક્કો લાગ્યો (Indian cricket team in WTC) છે. હજુ પણ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી શકે છે, પણ એ માટેના સમીકરણ વધુ જટિલ બનતા જઈ રહ્યા છે. નવા સમીકરણ મુજબ હવે ભારતીય ટીમે WTC ફાઈનલમાં પ્રવેશવા પાકિસ્તાનની જીત પર નિર્ભર રહેવું પડી શકે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાયેલી પહેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એડિલેડમાં રમાયેલી બીજી જ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને કારમી હાર આપી. ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે શ્રીલંકા સામે રમાયેલી બે મેચની સિરીઝમાં 2-0થી જીત મેળવી, જેને કારણે ભારત માટે મામલો વધુ ગંભીર બન્યો છે.
WTC પોઈન્ટ ટેબલની સ્થિતિ:
સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને સરકી ગઈ છે અને ભારત પાસે હવે માત્ર ત્રણ મેચ બાકી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારત પાસે કેટલાક સમીકરણો છે. આમાંથી એક સમીકરણ પાકિસ્તાની ટીમની હાર-જીત સાથે જોડાયેલું છે.
શ્રીલંકા પર આધાર:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 3-1 કે 4-1થી હરાવશે તો અન્ય કોઈ ટીમ પર આધાર રાખ્યા વગર ટીમ ફાઈનલમાં પહોંચી જશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 3-2થી જીત મેળવે છે તો શ્રીલંકા પાસેથી મદદની આશા રહેશે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાશે. આમાં શ્રીલંકાએ એક ટેસ્ટ જીતવી પડશે, તો તે ટીમ ઈન્ડિયાની આશા જીવંત રહેશે.
જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-2થી ડ્રોમાં પરિણામે તો ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે શ્રીલંકા પર નિર્ભર રહેશે. આ સ્થિતિમાં શ્રીલંકાની ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ જીતવી પડશે. તો જ ભારતીય ટીમ ફાઈનલમાં જઈ શકશે.
Also Read – Champions Trophy 2025: ‘હાઈબ્રિડ મોડલ’ માટે પાકિસ્તાન તૈયાર! PCBએ ICC પાસે રાખી આવી શરત
પાકિસ્તાન સાથે જોડાયેલું સમીકરણ:
અંતિમ સમીકરણ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. જો ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-3થી હારી જાય છે, તો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝના પરિણામ પર આધાર રહેશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન પર નિર્ભર રહેશે. જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવશે અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ શ્રીલંકાને એક ટેસ્ટમાં હરાવશે તો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
જો કે હવે આ મામલો ખૂબ જ જટિલ બની ગયો છે. ટીમ ઈન્ડિયા પોતાના પૂરેપૂરું જોર લગાવે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 3-1 કે 4-1થી જીતે તો જ હિતાવહ રહેશે.