જુઓ અપશુકનિયાળ રવિવારે ક્રિકેટમાં ભારતના ત્રણ પરાજય કેવી રીતે થયા?

(1) ભારતનો 19મી વખત 10 વિકેટે પરાજયઃ ઍડિલેઇડમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ રવિવારે 10 વિકેટે હારી ગઈ. ભારત ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ વખત દસ વિકેટના માર્જિનથી હારી જનાર બીજા નંબરનો દેશ છે. 19 વાર ભારતે 10 વિકેટના તફાવતથી પરાજય જોયો છે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડ (સૌથી વધુ પચીસ વખત 10 વિકેટે હારી જવા બદલ) પહેલા નંબરે છે. ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધુ 32 વાર 10 વિકેટના માર્જિનથી જીત્યું છે. રવિવારના ત્રીજા દિવસે બીજા દાવમાં પૅટ કમિન્સના પાંચ વિકેટના તરખાટને લીધે ભારતીય ટીમ ફક્ત 175 રનમાં આઉટ થઈ ગયા પછી કાંગારૂઓએ 19 રનનો લક્ષ્યાંક વિના વિકેટે મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો અવૉડ અપાયો હતો.
(2) ઑસ્ટ્રેલિયન મહિલાઓ હાઇએસ્ટ સ્કોર બનાવીને જીતી, એલીસનો વિશ્વવિક્રમઃ બ્રિસ્બેનમાં ભારતનો ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામેની બીજી વન-ડેમાં 122 રનથી પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 371 રન બનાવ્યા હતા જે ભારત સામે ઑસ્ટ્રેલિયન મહિલાઓનો સૌથી મોટો વન-ડે સ્કોર હતો. એલીસ પેરીએ 105 રન અને જ્યોર્જિયા વૉલે 101 રન બનાવ્યા હતા. એલીસ પેરી વન-ડેમાં 7000 રન બનાવવા ઉપરાંત 300 વિકેટ લેનાર પ્રથમ મહિલા પ્લેયર બની છે. ભારતીય ટીમ 249 રન બનાવી શકી હતી. ઑસ્ટ્રેલિયન ટીમે 2-0થી સિરીઝની ટ્રોફી પર કબજો કરી લીધો છે.
(3) અન્ડર-19 એશિયા કપમાં ભારતને હરાવી બાંગ્લાદેશે ટાઇટલ જાળવ્યુંઃ દુબઈમાં એશિયા કપ અન્ડર-19 ફાઇનલમાં બાંગ્લાદેશે 198 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ ફક્ત 139 રન બનાવી શક્તા બાંગ્લાદેશનો 59 રનથી વિજય થયો હતો અને એણે ટાઇટલ ડિફેન્ડ કર્યું હતું. ભારત વતી કૅપ્ટન મોહમ્મદ અમાનના 26 રન ટીમમાં હાઇએસ્ટ હતા. બાંગ્લાદેશના ઇકબાલ એમોન અને અઝિઝુલ હકીમે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.