મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લી બે ટેસ્ટ સિરીઝ દુસ્વપ્ન (Indian Cricket Team) સમાન રહી, ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં 0-3થી હાર મળી ત્યાર બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ 1-3થી સિરીઝ હારી ગઈ. ભારતીય ટીમને છેલ્લી આઠ ટેસ્ટમાંથી છમાં હાર મળી, જેને કારણે ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ(WTC)2024-25ની ફાઈનલની રેસમાંથી ફેંકાઈ ગઈ. આ ઉપરાંત ICC રેન્કિંગમાં (ICC Test Ranking) પણ ટીમને મોટું નુકશાન થયું છે.
ICCએ તાજેતરમાં જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર નોંધાયો છે. નવી રેન્કિંગમાં ભારતીય ટીમને મોટું નુકશાન થયું છે, ઓસ્ટ્રેલિયા સામેની હારને કારણે ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવી ગઈ છે.
લાંબા સમયથી ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે, પરંતુ સતત સિરીઝ હારના કારણે ટીમ ઈન્ડિયાનું રેટિંગ ઘટ્યું છે. ટીમ ઈન્ડિયા હવે 109 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.
દક્ષિણ આફ્રિકાને ફાયદો:
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. જો કે, સિરીઝ સમાપ્ત થયા બાદ પણ ટીમ ઈન્ડિયા બીજા સ્થાન પર હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવતા જ તેના રેટિંગ પોઈન્ટ ભારત કરતા વધી ગયા. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ 112 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે, તેના રેટિંગ પોઈન્ટ 126 છે.
ઈંગ્લેન્ડ 106 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ 96 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. શ્રીલંકા 87 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
પહેલી વાર WTC ફાઈનલ નહીં રમે:
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. આ ફાઈનલ ઓસ્ટ્રેલીયા અને દક્ષીણ આફ્રિકાની ટીમ વચ્ચે 11 જૂનથી રમાશે. પહેલીવાર એવું બન્યું છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની ફાઈનલ નહીં રમે. ભારત વર્ષ 2021 અને 2023માં ફાઈનલ રમ્યું હતું.
આ પણ વાંચો…વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સબાલેન્કાએ ટાઈટલની જીત સાથે કરી શરૂઆત…
ચાહકો નિરાશ:
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો હાલ નિરાશ છે, ભારતને ટેસ્ટ રેન્કિંગમાં સુધારો કરવાની તક હવે છ મહિના બાદ મળશે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે જુન મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. એ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી અને IPLમાં વ્યસ્ત ભારતીય ટીમ એક પણ ટેસ્ટ મેચ નહીં રમે.