ઇન્દોરમાં ODI ફાઈનલ પૂર્વે ‘મહાકાલ’ના શરણે પહોંચી ટીમ ઇન્ડિયા: કોહલી અને કુલદીપે ભસ્મ આરતીમાં લીધો ભાગ

ઉજ્જૈન: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે (ODI) સીરિઝ અત્યારે 1-1 થી બરાબરી પર છે. 18 જાન્યુઆરી 2026ને રવિવારના રોજ ઇન્દોરમાં બંને ટીમ વચ્ચે અંતિમ અને નિર્ણાયક મુકાબલો થવાનો છે. ત્યારે ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને બાબા મહાકાલના આશીર્વાદ લીધા છે.
ભસ્મ આરતીમાં લીધો ભાગ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી નિર્ણાયક વન-ડે મેચ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ ભક્તિભાવ સાથે ઉજ્જૈનમાં મહાકાલના આશીર્વાદ લીધા છે. 17 જાન્યુઆરી 2026ને શનિવારે વહેલી સવારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવ મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંને ખેલાડીઓએ પરંપરાગત ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને અંદાજે બે કલાક સુધી બાબા મહાકાલની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. દર્શન દરમિયાન વિરાટ કોહલી મંદિરના ગર્ભગૃહની સામે નંદીની પ્રતિમા પાસે બેઠેલો જોવા મળ્યો હતો.
માત્ર કોહલી કે કુલદીપ જ નહીં, પરંતુ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, બેટ્સમેન જી શ્રીનાથ શુક્લા અને કેએલ રાહુલ સહિતના સભ્યોએ પણ ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવ્યા હતા. બાબા મહાકાલના દર્શન બાદ કુલદીપ યાદવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મહાકાલના દર્શન કરવાથી અપાર શાંતિનો અનુભવ થયો છે. બાબા મહાકાલના આશીર્વાદ હશે તો ટીમ ઇન્ડિયા આગામી T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરશે.”
કોના નામે થશે સિરીઝ?
કુલદીપ યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, “વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ક્રિકેટરની હાજરીથી ટીમમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.” ઉલ્લેખનીય છે કે, આ ODI સીરિઝ અત્યારે રોમાંચક તબક્કે છે. રવિવારે યોજાનારો ફાઈનલ મુકાબલો જે ટીમ જીતશે, તે સિરીઝ પોતાના નામે કરશે. હાલ બંને ટીમના ખેલાડીઓ ઇન્દોર પહોંચી ગયા છે અને જીત મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો…IND vs NZ 2nd ODI: રાજકોટની પીચ કેવી રહેશે? ટીમ ઇન્ડિયામાં આ ફેરફાર જોવા મળશે



