Team India Head-Coach:‘ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવું મને પણ ગમશે’ આવું હવે કયા દિગ્ગજે કહ્યું, જાણો છો?
કોલકાતા: ટીમ ઇન્ડિયાના હેડ-કોચના હોદ્દા માટે પોતે ફરી અરજી નહીં કરે અને વર્તમાન ટી-20 વર્લ્ડ કપ હેડ-કોચ તરીકે છેલ્લી ટૂર્નામેન્ટ છે એવું રાહુલ દ્રવિડ મંગળવારે એક ઇન્ટરવ્યૂમાં સત્તાવાર રીતે જણાવ્યું એને પગલે આ હોદ્દા માટેની રેસ થોડી રસપ્રદ થઈ ગઈ છે. અગાઉ ગૌતમ ગંભીરનું નામ નક્કીપણે ચર્ચાતું હતું અને અમુક અંશે વીવીએસ લક્ષ્મણને પણ સંભવિત અનુગામી તરીકે ગણવામાં આવતો હતો, પરંતુ હવે સૌરવ ગાંગુલી (Saurav Ganguly)નું નામ પણ એમાં ઉમેરાયું છે. તેણે એક મુલાકાતમાં કહ્યું છે, ‘ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવું મને ગમશે.’
કોલકાતા નાઇટ રાઇડર્સને કૅપ્ટન તરીકે બે ટાઇટલ અને મેન્ટર તરીકે 26મી મેએ ટ્રોફી અપાવનાર ગૌતમ ગંભીરે ‘મને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનવું ગમશે’ એવું તાજેતરમાં અબુ ધાબીની એક ઇવેન્ટમાં કહ્યું ત્યાર બાદ હવે ગાંગુલીએ પણ તૈયારી બતાવી છે.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલીએ ગૌતમ ગંભીરની હેડ-કોચ બનવાની તૈયારીના અનુસંધાનમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું, ‘ભારતીય ટીમને કોચિંગ આપવાનું મને ગમશે. જો તે (ગૌતમ ગંભીર) બનવા માગતો હોય તો સારી વાત છે. મારી દૃષ્ટિએ તે બહુ સારો ઉમેદવાર છે.’
ગંભીર પછી હવે ગાંગુલી પણ આ હાઈ-પ્રોફાઇલ જૉબ માટે તૈયાર હોવાથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ગાંગુલીએ કોલકાતાની એક ઇવેન્ટમાં સમાચાર સંસ્થા એએનઆઇને જણાવ્યું, ‘ભારતીય ટીમને કોચિંગ આપવાનું મને ખૂબ ગમશે.’