ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 29મી લીગ મેચ આજે લખનઉના એકાના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે પાંચ મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. પરંતુ એક રેકોર્ડ્સ મુજબ ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષથી વન ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવી શકી નથી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આ વખતે ઇંગ્લેન્ડને માત આપી શકાશે કે નહીં એ જોવાનું રહેશે.
ભારતે છેલ્લે 2003ના વન ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 250 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે અડધી સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે પણ 62 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતારેલી ઈંગ્લેન્ડની ટીમ 168 રનના સ્કોરમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. આ મેચમાં આશિષ નેહરાએ ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ ઝડપી હતી. ઝહીર ખાનને 2 વિકેટ મળી હતી. ત્યાર બાદથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી શકી નથી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો વર્ષ 1975ના વન ડે વર્લ્ડ કપમાં મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. આ પછી 1983ના વન ડે વર્લ્ડ કપમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમે 1987 અને 1992ના વન ડે વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ 1999 અને 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ પર જીત મેળવી હતી. 2011ના વર્લ્ડ કપમાં મેચ ટાઈ રહી હતી. ગત વન ડે વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું.