ટીમ ઈન્ડિયાના કેપ્ટને મૌન તોડ્યું, સૌથી મોટું નિવેદન આપ્યું

સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ આવતીકાલથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા આજે ટેસ્ટ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયા વિશે સૌથી મોટી વાત કરી હતી. વર્લ્ડ કપમાં હાર પછી અમારો ઉદ્દેશ્ય આ શ્રેણી જીતવાનો છે.
વર્લ્ડ કપમાં હાર્યા પછી ટીમ ઈન્ડિયાની સાથે દેશ આખાને એ હાર પચાવવી મુશ્કેલ રહી હતી. એની વચ્ચે ટીમ ઈન્ડિયાના અનેક અપ ડાઉન વચ્ચે રોહિત શર્મા પણ થોડા સમય પૂરતો મીડિયામાં ગાયબ રહ્યો હતો. જોકે, આવતીકાલથી શરુ થયેલી ટેસ્ટ મેચ મુદ્દે રોહિત શર્માએ મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા હતા.
ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને અમે ફાઈનલમાં મળેલી હારમાંથી આગળ વધ્યા છીએ. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં રમ્યો ન હતો. તે દક્ષિણ આફ્રિકામાં ટી20 અને વનડે શ્રેણીથી પણ દૂર રહ્યો હતો.
રોહિત શર્માએ કહ્યું હતું કે અમે મેચ માટે તૈયાર છીએ. અહીંની સ્થિતિ બોલરોને મદદ કરે છે. અહીં પાંચ દિવસ સુધી બેટિંગ કરવી સરળ નથી. અમને આનો અનુભવ છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ અમારા માટે પડકારો વધશે. અમારી ટીમે આ અંગે વાત કરી છે. અમે એક અઠવાડિયા પહેલા જ અહીં આવ્યા છીએ. તમામ ખેલાડીઓને પોતાની રીતે રમવાની સ્વતંત્રતા છે.
વધુમાં રોહિત શર્માએ કહ્યું કે અહીં ફાસ્ટ બોલરો ઉપરાંત સ્પિનરો પણ મહત્વના છે. અમારી પાસે બે અનુભવી સ્પિનરો (રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા) છે. તે જાણે છે કે તે અહીંની ટીમ પાસેથી શું ઈચ્છે છે. તેમની સાથે વધારે વાત કરવાની જરૂર નથી. બંને ખૂબ જ આક્રમક છે. રોહિતે કહ્યું હતું કે અમે જે રીતે વર્લ્ડ કપમાં રમ્યા તે રીતે હારવું ખૂબ મુશ્કેલ હતું. તે અમારા બધા માટે મુશ્કેલ હતું. અમે પ્રથમ 10 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ફાઈનલમાં આવું ન થઈ શક્યું અને અમે હારી ગયા. આવી હાર પછી બહાર આવવું મુશ્કેલ છે, પરંતુ ક્રિકેટમાં ઘણું બધું થઈ રહ્યું છે અને તમારે તેની સાથે આગળ વધવું પડશે. મારા માટે પણ આગળ વધવું મુશ્કેલ છે. અમને બહારથી ઘણો સપોર્ટ મળ્યો તેનાથી મને ઘણી પ્રેરણા મળી.
રોહિતે કહ્યું હતું કે ભારતે અહીં ક્યારેય સીરિઝ જીતી નથી. આપણે જીતીશું તો સારું થશે, પરંતુ વર્લ્ડ કપમાં હારનું દુઃખ ઓછું થશે કે નહીં તે ખબર નથી. દરેક વ્યક્તિ સખત મહેનત કરી રહ્યો છે. અમારી પાસે તમામ પ્રકારના ખેલાડીઓ છે.