ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે કેપટાઉન પહોંચી, નવા વર્ષની શુભેચ્છા પણ આગવી રીતે આપી
કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા કેપટાઉન પહોંચી ગઈ છે. ભારતીય ટીમ નવા વર્ષ નિમિત્તે કેપટાઉનમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીઆઈઆઈ) દ્વારા ટીમ ઈન્ડિયાનો એક રસપ્રદ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.
બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્વિન ટીમ બસમાંથી ઉતરતા જોવા મળે છે. પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર અને રવિન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓ એરપોર્ટથી સીધા જ હોટેલ પહોંચ્યા હતા. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન સિરાજે બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સેન્ચુરિયનમાં કારમી હાર બાદ ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જોકે, ટીમ પાસે કેપટાઉનમાં રમાનાર બીજી ટેસ્ટ જીતીને શ્રેણી ડ્રો કરવાની તક છે. ભારતે 1992માં દક્ષિણ આફ્રિકા સાથે ટેસ્ટ શ્રેણી રમવાની શરૂઆત કરી હતી. આ 31 વર્ષોમાં ભારતીય ટીમ કેપટાઉનમાં છ ટેસ્ટ મેચ રમી છે, પરંતુ તે એક પણ જીતી શકી નથી.
ટીમ ઈન્ડિયાને કેપટાઉનમાં ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બે ટેસ્ટ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં તેને આ મેદાન પર 3 જાન્યુઆરીથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ચમત્કારિક પ્રદર્શનની જરૂર પડશે.