ટીમ ઈન્ડિયા પર લાગ્યો ‘ગંભીર ક્રૂરતા’નો આરોપ, જાણો વિગત….
T20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ Aમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચ જીત્યા પછી ભારતના ખેલાડીઓ પર ગંભીર ક્રૂરતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમને નવાઇ લાગશે કે ભારતે એવું તે શું કરી નાખ્યું કે તેના પર વિદેશની ભૂમિ પર ક્રૂરતાવા આરોપ લાગ્યા છે. તો તમને જણાવીએ કે આ આરોપ લગાવનાર અને આવી પ્રતિક્રિયા આપનાર બીજું કોઇ નહીં પણ દેશના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા છે. આપણે વિગતવાર સમજીએ.
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિંઝની યજમાનીમાં T20 વર્લ્ડ કપ 2024 યોજાયો છે. 9 જૂનના રોજ ભારત- અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો : IND Vs PAK: આ પાકિસ્તાની ક્રિકેટર પર ફૂટ્યું હારનું ઠીકરું, નહીં માફ કરે પાકિસ્તાની ક્રિકેટના ફેન્સ…
પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. મેન ઇન બ્લુ નો દાવ માત્ર 119 રનમાં સમેટાઇ ગયો હતો. એ તબક્કે એવું લાગતું હતું આ મેચ પાકિસ્તાન સરળતાથી જીતી જશે અને ભારતને કપાળે હારની ટીલી લાગી જશે. પણ બાદમાં બેટિંગ કરવા આવેલા પાકિસ્તાની ધુરંધરોની ભારતીય બોલરોએ એવી બુરી વલે કરી નાખી હતી કે તેઓ 113 રનમાં જ ઓલઆઉટ થઇ ગયા હતા અને ભારતે પાકિસ્તાનના મુખમાંથી આ મેચ આંચકી લીધી હતી. ભારતની આ જીત બાદ ઇન્ટરનેટ પર પ્રતિક્રિયાઓનો જુવાળ આવ્યો હતો. લોકો ભારતીય ટીમને અભિનંદન આપતા જાત જાતની કમેન્ટ કરી રહ્યા હતા, પણ સૌથી મનોરંજક પ્રતિક્રિયા આપનાર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હતા. લાંબી, વિનોદી પોસ્ટમાં, તેમણે ભારતીય ટીમના નાટકીય બદલાવની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું હતું કે,
“હું આથી તમને, અમારી ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સામે ગંભીર ક્રૂરતાનો આરોપ લગાવું છું. તમે આખા દેશને અને આપણા ઉત્તર-પશ્ચિમ પડોશીને એવું માનીને ફસાવ્યા કે તેઓ આપણને (ભારતને) અપમાનજનક પરાજય આપવાના આરે છે. તમે પછી પાક ટીમ સામે નહીં ઝૂકવાનો નિર્ધાર કર્યો. તમે હૌડિની એક્ટ કરી દીધી. તમે હારના જડબામાંથી સંપૂર્ણપણે અસંભવિત વિજય છીનવી લીધો. તમે અપમાન સહી લીધું અને તેનો વીંટો વાળીને તેમને ભેટ આપી દીધુ, કારણ કે વિકેટ બાકી હોવા છતાં પણ તેઓ અમારો નજીવો સ્કોર હાંસલ કરી શક્યા ન હતા. તમે તેમને ભાવનાત્મક નુકસાન પહોંચાડ્યું છે જે અકલ્પનીય છે. હું તમને હંમેશ માટે હીરો રહેવાની સજા આપું છું.”
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર લોકો ઓવારી ગયા છે. તેમના સેન્સ ઑફ હ્યુમરની લોકો પ્રશંસા કરી રહ્યા છે.