T20 World Cup: India v/s Pakistan: “બૂમરાસ્ત્ર”થી પાકિસ્તાન પર ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: બાબરની ટીમ એકઝિટની લગોલગ
ડિફેન્ડ થયેલા સૌથી નીચા સ્કોર સાથે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે ગ્રુપ “એ”ના લો-સ્કોરિંગ મુકાબલામાં ભારતે (19 ઓવરમાં 119/10) કટ્ટર હરીફ પાકિસ્તાન (20 ઓવરમાં 113/7)ને છેલ્લા બૉલ પર છ રનના માર્જિનથી હરાવીને સુપર-એઈટમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું હતું. જસપ્રીત બુમરાહ (4-0-14-3)નો જાદુ કામ કરી ગયો અને ખાસ તો તેના તરખાટને લીધે જ 2009નું ચેમ્પિયન અને 2022નું રનર-અપ પાકિસ્તાન આ વખતે અત્યારથી જ ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ જવાની સ્થિતિમાં આવી ગયું છે. બુમરાહની 19મી ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા હતા અને ઇફતિખાર અહમદ (પાંચ રન) આઉટ પણ થયો હતો.
બુમરાહને ધમાકેદાર બોલિંગ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો હવે પાકિસ્તાન સામેનો જીત-હારનો રેશિયો 6-1થી સુધરીને 7-1થઈ ગયો છે.
ભારતે 119 રનનો સ્કોર સફળતાથી ડિફેન્ડ કર્યો હતો. ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં જેટલા પણ નીચા સ્કોર ડિફેન્ડ કરવામાં આવ્યા છે એમાં આ (119 રન) સૌથી નીચો સ્કોર છે જે વિશ્વ વિક્રમ છે. ટી-20માં ભારતનો આ પોતાનો નવો વિક્રમ પણ છે. એક રીતે ભારતે શ્રીલંકાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. 2014ના વર્લ્ડ કપમાં લસિથ મલિન્ગાની ટીમે ન્યૂ ઝીલેન્ડ સામે 119 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો.
ભારતના બૅટર્સ નિષ્ફ્ળ જતા બોલર્સે ટીમ ઇન્ડિયાને જિતાડવાની જવાબદારી ઉપાડી અને તેઓ જીત અપાવીને રહ્યા હતા. એક્સપર્ટસ કમેન્ટમાં ઈશાન્ત શર્માએ અંગ્રેજી કહેવતની યાદ અપાવતા કહ્યું, “બૅટર્સ કૅન વિન મૅચ, બટ બોલર્સ કૅન વિન ચેમ્પિયનશિપ.”
119નું ટોટલ ડિફેન્ડ કરવું ખૂબ મુશ્કેલ કહેવાય, પણ ભારતીય બોલર્સે એ કઠિન કામ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરી દેખાડ્યું. પાકિસ્તાન સામે રમતી વખતે આપણા ખેલાડીઓમાં અલગ જ પ્રકારના જોશ, ઝનૂન, શક્તિ આવી જતાં હોય જેનો રવિવારે વધુ એક વાર પુરાવો મળ્યો.
અમેરિકામાં 35,000 ક્રાઉડે તેમ જ અમેરિકાના વહીવટ તંત્રએ ભારત -પાકિસ્તાનનો મુકાબલો કેવો જોશીલો અને ઝનૂની હોય એ પહેલી વાર પ્રત્યક્ષ જોયું.
ભારત ચાર પોઇન્ટ સાથે ગ્રૂપ “એ “માં ટૉપ પર છે. પાકિસ્તાને (0 પોઇન્ટ) હવે કેનેડા અને આયરલેન્ડને સારા માર્જિનથી હરાવવા ઉપરાંત અન્ય ટીમોના પરિણામ પર મદાર રાખવો પડશે.
આગાહી મુજબ રવિવારની મૅચમાં વરસાદના અનેક વિઘ્નો આવ્યા હતા જેને કારણે અમેરિકામાં સવારે 10.30 (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00)ના નિર્ધારિત સમયને બદલે સવારે 11.20 વાગ્યે (ભારતમાં રાત્રે 8.50 વાગ્યે) મૅચ શરૂ થઈ હતી અને બપોરે 4.00 સુધી (ભારતમાં રાત્રે 1.30 સુધી) ચાલી હતી.
બુમરાહ “બાદશાહ” હતો તો બીજો પેસ બોલર અર્શદીપ “સિંઘ ઇઝ કિંગ” સાબિત થયો હતો. અર્શદીપે 20મી ઓવરમાં 18 રન ડિફેન્ડ કરવાના હતા. પહેલા બૉલમાં તેણે ઇમાદ વસીમ (15 રન)ને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સિંગલ અને એક લેગ બાય જતાં પાકિસ્તાને ત્રણ બૉલમાં 16 રન બનાવવાના હતા જે ખૂબ મુશ્કેલ કામ હતું. નસીમ શાહે બે ફોર ફટકારી, પરંતુ અંતિમ બૉલમાં આઠ રન બનાવવાના આવ્યા અને ભારતની જીત ત્યાં જ નક્કી થઈ ગઈ હતી. અર્શદીપે એ લાસ્ટ બોલને વાઇડ કે નો બૉલ ફેંકવાની કોઈ ભૂલ ન કરી અને ફક્ત એક રન બનતા ભારતે છ રનથી વિજય મેળવ્યો હતો. એ પહેલાં જ અર્શદીપ (4-0-31-1) ઇમાદ (15 રન )ની વિકેટ લઈ ચૂક્યો હતો.
અક્ષર પટેલે (2-0-11-1) પણ કમાલની બોલિંગ કરી હતી. તેની 16મી ઓવરમાંના ચાર ડોટ-બૉલ પાકિસ્તાનને છેલ્લે નડ્યા હતા અને અક્ષરની એ ઓવર જ મૅચનો ટર્નિંગ પોઇન્ટ બની હતી.
હાર્દિક પંડ્યા (4-0-24-2)એ ઉત્કૃષ્ટ બોલિંગમાં ફખર ઝ્માન (13) અને શાદાબ ખાન (ચાર રન)ની મહત્વની વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ (4-0-19-0)નો 4.75નો ઇકીનોમી રેટ કાબિલે દાદ હતો.
રવીન્દ્ર જાડેજાએ બે ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા.
પાકિસ્તાનની એક સમયે 57 રનમાં એક જ વિકેટ હતી અને એણે બાકીની નવ વિકેટ 56 રનમાં ગુમાવી હતી.
રિષભ પંત (31 બૉલમાં છ ફોર સાથે હાઈએસ્ટ 42 રન અને ત્રણ અફલાતૂન ડાઇવિંગ કૅચ)નો પર્ફોર્મન્સ અદ્દભૂત હતો.
પાકિસ્તાનની ઇનિંગ્સ પહેલાં ભારતે જે 119 રન બનાવ્યા એમાં પંત ઉપરાંત અક્ષર (20 રન, 18 બૉલ, એક સિક્સર, બે ફોર)નો પણ ફાળો હતો.
ઓપનિંગમાં કોહલી (ચાર રન) ફરી ફ્લૉપ ગયો, જયારે રોહિતે 13 રન, અર્શદીપે નવ રન, સિરાજે સાત રન, હાર્દિક અને સૂર્યાએ સાત-સાત રન બનાવ્યા હતા.
શિવમ દુબે માત્ર ત્રણ રન બનાવી શક્યો અને ટીમમાં તેના સમાવેશ પર ફરી ચર્ચાઓ થશે.
પાકિસ્તાન વતી રઉફ અને નસીમે ત્રણ-ત્રણ, આમિરે બે અને શાહીન આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.
એક સમયે ભારતની 58 રનમાં બે વિકેટ હતી અને એણે બાકીની આઠ વિકેટ 61 રનમાં ગુમાવી હતી.
Also Read –