આજે વર્લ્ડ ચેમ્પિયન ભારતનો ડાર્ક હોર્સ યુએઈ સામે મુકાબલો

દુબઈ: ભારતીય ક્રિકેટરો એક મહિનો અને 10 દિવસ બાદ ફરી સ્પર્ધાત્મક મૅચ માટે આજે ફરી મેદાન પર ઊતરશે, જયારે છ મહિના બાદ ફરી દુબઈના જ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરતી બૂમો સંભળાશે. ભારત અને યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ) વચ્ચે આજે ટી-20 એશિયા કપની મૅચ (રાત્રે 8. 00 વાગ્યાથી) રમાશે.
શુભમન ગિલ (જે એશિયા કપમાં વાઇસ-કેપ્ટન છે)ના સુકાનમાં ભારતના ખેલાડીઓ જુલાઈ મહિનાને અંતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબરીમાં લાવ્યા બાદ સ્વદેશ પાછા આવ્યા હતા. એ પહેલાં, ભારતીય ક્રિકેટરો માર્ચમાં દુબઈમાં વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યા હતા.
હવે ભારતીય ખેલાડીઓ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં એશિયા કપમાં રમવા દુબઈ આવ્યા છે અને એમાં આજે ભારતનો પ્રથમ જંગ યુએઈ સામે છે.
ભારત નંબર વન, યુએઈ 15મું
આઇસીસી ટી-20 રેન્કિંગમાં ભારત (INDIA) નંબર-વન છે જ્યારે યુએઈ છેક 15મા સ્થાને છે. યુએઈની ટીમ હજી ચાર દિવસ પહેલાં જ શારજાહમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામેની ટ્રાયેન્ગ્યુલર રમીને એશિયા કપ માટે દુબઈ (DUBAI) આવી છે. એ ત્રિકોણીયા જંગમાં યુએઈની ટીમ એક પણ મૅચ નહોતી જીતી શકી. જોકે મે મહિનામાં શારજાહમાં જ યુએઈએ બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં 2-1થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો એટલે યુએઇ (UAE)ની ટીમને આજે ભારતીય ખેલાડીઓ નજરઅંદાજ નહીં કરી શકે. ટી-20ના ઇતિહાસમાં ભારત અને યુએઈ વચ્ચે એક જ ટી-20 રમાઈ છે અને 2016ના એશિયા કપની એ મૅચ ભારતે જીતી લીધી હતી.
ગૌતમ ગંભીર વિરુદ્ધ લાલચંદ રાજપૂત
ગૌતમ ગંભીર ભારતનો હેડ-કોચ છે જ્યારે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂત યુએઈની ટીમને કોચિંગ આપી રહ્યા છે.
પિચ કેવી હોઈ શકે?
માર્ચની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે દુબઈની પિચ (PITCH) પર ચાર સ્પિનરને અજમાવ્યા હતા, પરંતુ આજે નવી પિચ સ્પિનર અને પેસ બોલર બંનેને માફક આવે એવી હોઈ શકે. દુબઈની અસહ્ય ગરમીમાં ભારતીય બૅટ્સમેનોની પણ આકરી કસોટી થશે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઇલેવન:
ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હર્ષિત રાણા/અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
યુએઈ: મુહમ્મદ વસીમ (કેપ્ટન), રાહુલ ચોપરા (વિકેટકીપર), અલીશાન શરાફુ, આસિફ ખાન મુહમ્મદ ફારુક, હર્ષિત કૌશિક, મુહમ્મદ ઝોહૈબ, મુહમ્મદ જવાદુલ્લા/સગીર ખાન, હૈદર અલી, જુનેઈદ સિદ્દીક અને મુહમ્મદ રોહિદ.
આ પણ વાંચો….` અમારે રહેવાનું દુબઈમાં અને રમવાનું અબુ ધાબીમાં, ‘…એશિયા કપના એક કૅપ્ટને આવું ગુસ્સામાં કહી દીધું