યુએઈ જેવી નાની ટીમને હાઈ પ્રોફાઈલ ઇવેન્ટમાં શુંકામ રમાડો છો!… આવું ચોંકાવનારું કોણે કહ્યું? | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

યુએઈ જેવી નાની ટીમને હાઈ પ્રોફાઈલ ઇવેન્ટમાં શુંકામ રમાડો છો!… આવું ચોંકાવનારું કોણે કહ્યું?

નવી દિલ્હી: મંગળવારે ટી-20 એશિયા કપમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની ટીમને 57 રનમાં ઑલઆઉટ કર્યા પછી ભારતે માત્ર 27 બૉલમાં એક વિકેટે 60 રન કરીને વિજય મેળવી લીધો એ બાદ યુએઈની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે જેમાં ખાસ કરીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે (K. SRIKKANT) કહ્યું છે કે ‘ યુએઈ જેવી નાની ટીમને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રમાડવી જ ન જોઈએ.’

શ્રીકાંતે યુએઈ (UAE)ના ખેલાડીઓની ટૅલન્ટ પર શંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘ હાઈ પ્રોફાઈલ ઇવેન્ટમાં આવી નાની ટીમનો સમાવેશ ન કરવો જોઈએ.’

કુલદીપ-દુબેની કુલ સાત વિકેટ

સ્પિનર કુલદીપ યાદવ (ચાર વિકેટ) અને પેસ બોલિંગ-ઑલરાઉન્ડર શિવમ દુબે (ત્રણ વિકેટ)એ મળીને કુલ સાત વિકેટ લીધી હતી. મુહમ્મદ વસીમના સુકાનમાં યુએઈની ટીમ 13.1 ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 ફોર્મેટમાં ભારતની (કુલ 106 બૉલની) આ સૌથી ટૂંકી મૅચ હતી.

ભૂતપૂર્વ ઓપનર શ્રીકાંતે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘ યુએઈ સામેની જીત ભારત માટે કંઈ જ ન કહેવાય. એશિયા કપ જેવા કોન્ટિનેન્ટલ કપમાં યુએઇ જેવી ટચૂકડી ટીમને રમાડવી એ શું ઠીક કહેવાય?’

‘ટી-20 નહીં, ટી-5 મૅચ હતી’

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ‘ આ ટી-20 મૅચ નહીં, પણ ટી-5 મેચ હતી. યુએઈના બૅટ્સમેનોને ક્રીઝમાં ટકી રહેવામાં જાણે રસ જ નહોતો. એશિયા કપ જેવી મોટી સ્પર્ધામાં આવી નાની ટીમને રમાડવાનો શું અર્થ? હાઈ પ્રોફાઈલ ઇવેન્ટમાં જો આવી નાની ટીમ રમતી રહેશે તો ડાઈ-હાર્ડ ક્રિકેટપ્રેમીઓનો આ રમતમાંથી રસ ઊડતો જશે.’

દુબેને ભેટમાં વિકેટો મળી: શ્રીકાંત

સ્પષ્ટવક્તાની છાપ ધરાવતા શ્રીકાંતે કહ્યું હતું કે ‘ કુલદીપ યાદવે બહુ સારી બોલિંગ કરી હતી, પરંતુ શિવમ દુબે જાણે ઘાતક બોલર હોય એવો માહોલ યુએઈના બૅટ્સમેનોએ ઊભો કરી આપ્યો હતો. શિવમ દુબે સાથે મારો કોઈ ભેદભાવ નથી, પણ યુએઈના બૅટ્સમેનોએ તેને ગિફ્ટમાં વિકેટ આપી દીધી હતી.’

પાકિસ્તાન, શ્રીલંકા વિશે શું કહે છે?

શ્રીકાંતે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘ આ એશિયા કપ (Asia Cup)માં ભારતને માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા ટફ ફાઈટ આપી શકે એવા બે દેશ છે. અફઘાનિસ્તાનની ટીમ ઘણી સારી છે, પરંતુ લક્ષ્યાંક ચેઝ કરવામાં એનો રેકોર્ડ સારું નથી.’

આપણ વાંચો:  સચિન તેંડુલકર BCCIના નવા પ્રમુખ બનશે! જાણો માસ્ટર બ્લાસ્ટરની કંપનીએ શું કહ્યું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button