` અમારે રહેવાનું દુબઈમાં અને રમવાનું અબુ ધાબીમાં, '…એશિયા કપના એક કૅપ્ટને આવું ગુસ્સામાં કહી દીધું | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025સ્પોર્ટસ

` અમારે રહેવાનું દુબઈમાં અને રમવાનું અબુ ધાબીમાં, ‘…એશિયા કપના એક કૅપ્ટને આવું ગુસ્સામાં કહી દીધું

બીજા સુકાનીએ કહ્યું, ` મેં પૂરી ઊંઘ કરી જ નથી, બહુ તકલીફ પડી રહી છે'

દુબઈઃ વર્ષોથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમતા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ભારતમાં વિવિધ શહેરોમાં રહેવામાં અને રમવામાં કોઈ જ મુશ્કેલી નથી પડતી હોતી, કારણકે આ સ્પર્ધાનું મૅનેજમેન્ટ ખૂબ વ્યવસ્થિત હોય છે અને દર વર્ષે ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પડતી હોય છે, પરંતુ યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં શરૂ થઈ રહેલા આઠ દેશ વચ્ચેના ટી-20 એશિયા કપમાં પોતાની ટીમને લગતી વ્યવસ્થા બાબતમાં અફઘાનિસ્તાનનો સુકાની રાશીદ ખાન નારાજ છે. શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાએ પણ તેની ટીમ વિશેના શેડ્યૂલિંગ (Scheduling)ને વખોડ્યું હતું.

રાશીદ ખાન ખાસ કરીને શેડ્યૂલિંગ તેમ જ ટીમના વારંવારના પ્રવાસ બાબતમાં ટીકા કરી રહ્યો છે. કારણ એ છે કે અફઘાનિસ્તાનની ટીમે એશિયા કપ દરમ્યાન દુબઈમાં રહેવું પડશે અને જ્યારે પણ એની મૅચનો દિવસ હશે એ પહેલાં અફઘાનિસ્તાનની ટીમે બે કલાકની મુસાફરી કરીને અબુ ધાબી પહોંચવું પડશે.

મંગળવારે પહેલી જ મૅચ અબુ ધાબીમાં અફઘાનિસ્તાન તથા હૉંગ કૉંગ વચ્ચે નિર્ધારિત હોવાથી સાંજની આ મૅચ માટે અબુ ધાબી પહોંચતાં પહેલાં સવારે દુબઈમાં રાશીદ ખાને (Rashid khan)અન્ય સાત ટીમના કૅપ્ટનો સાથેની ટૂર્નામેન્ટ સંબંધિત પત્રકાર પરિષદમાં કહ્યું, ` આ ઠીક ન કહેવાય. મેં અન્ય કૅપ્ટનોને પણ કહ્યું કે અમારે રહેવાનું દુબઈમાં અને ત્રણેય લીગ મૅચ રમવાની અબુ ધાબીમાં એ તો વિચિત્ર વ્યવસ્થા જ કહેવાય. જોકે પ્રોફેશનલ ક્રિકેટર તરીકે અમારે આવું બધુ સ્વીકારી લેવું પડે. અન્ય કેટલાક દેશોમાં અમે બે-ત્રણ કલાકના પ્રવાસ બાદ મૅચ રમવા સીધા મેદાન પર પહોંચી ગયા હોઈએ એવું પણ બન્યું છે. એક વાર તો હું બાંગ્લાદેશથી અમેરિકા પહોંચ્યો અને થોડી જ વાર બાદ મૅચ રમવા ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો.’

આ પત્રકાર પરિષદમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચીફ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી પણ હાજર હતા અને તેની હાજરીમાં રાશીદ ખાને ગેરવ્યવસ્થાની બાબતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

મંગળવારની હૉંગ કૉંગ સામેની પ્રથમ મૅચ બાદ અફઘાનિસ્તાનની બીજી લીગ મૅચ મંગળવાર, 16મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે અબુ ધાબીમાં અને છેલ્લી લીગ મૅચ ગુરુવાર, 18મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અબુ ધાબીમાં જ રમાશે.

શ્રીલંકાના સુકાની ચરિથ અસલંકાએ પત્રકારોના એક સવાલના જવાબમાં કહ્યું, ` અમારી ટીમનું શેડ્યૂલ એ રીતે ગોઠવવામાં આવ્યું છે જેમાં અમને પૂરતો આરામ જ નથી થયો. મારી ઊંઘ પૂરી નથી થઈ.’

અસલંકા (Asalanka)એ મજાકમાં પત્રકારોને કહ્યું, ` મને એટલી બધી ઊંઘ આવે છે કે વિચાર આવ્યો કે મારે તમારા સવાલના જવાબ આપવાને બદલે થોડી ઊંઘ કરી લેવી જોઈતી હતી. અમારે ઝિમ્બાબ્વે સામે બૅક-ટૂ-બૅક મૅચ રમીને સીધા અહીં એશિયા કપમાં રમવા આવી જવું પડ્યું છે. જે કંઈ હોય, અમે એશિયા કપના મુકાબલા માટે પૂરેપૂરા તૈયાર છીએ.’

શ્રીલંકાની પ્રથમ મૅચ શનિવારે અબુ ધાબીમાં બાંગ્લાદેશ સામે રમાશે. શ્રીલંકાવાળા ગ્રૂપમાં અફઘાનિસ્તાન અને હૉંગ કૉંગ પણ છે.

આ પણ વાંચો…ક્રિસ ગેઈલના અનિલ કુંબલે પર મોટા આરોપો, આ કારણે છોડ્યું કોચપદ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button