ACCની બેઠકમાં મોહસિન નકવીને રાજીવ શુક્લાએ આડે હાથ લીધા: જાણો શું કહ્યું

નવી દિલ્હી: એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય જીત મેળવી છે. જોકે, ફાઈનલ મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં પાકિસ્તાન માટે નામોશી ભરી ઘટના સર્જાઈ હતી. ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીના હાથેથી એશિયા કપની ટ્રોફી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. 2 કલાક સુધી ડ્રામા ચાલ્યા બાદ મોહસિન નકવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. એશિયા કપનું સમાપન થયા બાદ ACCની વાર્ષિક બેઠક યોજાઈ હતી. જેમાં મોહસિન નકવીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પણ પાઠવી ન હતી. આ વાત ચર્ચાનું કેન્દ્ર બની છે.
રાજીવ શુક્લાએ ઉઠાવ્યો સવાલ
મોહસિન નકવી એશિયાઈ ક્રિકેટ પરિષદ(ACC)ના અધ્યક્ષ છે. આ સિવાય તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ છે. આ સિવાય તેઓ પાકિસ્તાન સરકારમાં ગૃહ અને નાર્કેટિક્સ કંટ્રોલ પ્રધાન તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત સામે પાકિસ્તાનનો કારમો પરાજય થયો છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી ACCની વાર્ષિક બેઠકમાં મોહસિન નકવીના વલણને કારણે પાકિસ્તાન ફરી એકવાર ભોઠું પડી ગયું છે.
થોડા સમય પહેલા મંગોલિયા ACCનું સભ્ય બન્યું છે. આ સિવાય નેપાળની ક્રિકેટ ટીમે ટી-20 ઇન્ટરનેશન ક્રિકેટમાં બે વખતના ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જેના બદલ ACCની બેઠકમાં મોહસિન નકવીએ નેપાળ અને મંગોલિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ ભારત એશિયા કપનું 9મી વખત ચેમ્પિયન બનવા છતાં મોહસિન નકવીએ ભારતને કોઈ શુભેચ્છાઓ પાઠવી ન હતી. જેને લઈને બેઠકમાં હાજર રાજીવ શુક્લાની સાથે BCCIનું પ્રતિનિધિત્વ કરી રહેલા શેલારે નકવી એ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ કેમ ન પાઠવી? એવો સવાલ ઉઠાવ્યો હતો. જેથી BCCIના દબાણ અને અન્ય સભ્યોની શરમ રાખીને મોહસિન નકવીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડ્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ટ્રોફી બીજુ કોઈ લઈ ગયું હોવાની પણ વાત ફેલાઈ હતી. આ ટ્રોફી કોણ લઈ ગયું? આ મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આપણ વાંચો: એશિયા કપની ટ્રોફી માટે સુર્યકુમાર યાદવને જવું પડશે ACC ઓફિસ? નકવીએ મુકી નવી શરત