આઇસીસીની લપડાક પછી પાકિસ્તાન ઊંધા માથે પટકાયુંઃ એશિયા કપની બહાર થઈ જવાની ધમકી પાછી ખેંચી

દુબઈઃ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી પાઇક્રૉફ્ટ (PYCROFT) ટી-20 એશિયા કપના મૅચ-રેફરી છે અને તેમને ભારત સામેના ` હૅન્ડશેક વિવાદ’ના પ્રકરણમાં આ ટૂર્નામેન્ટમાંથી હાંકી કાઢવાની પાકિસ્તાને જે માગણી કરી હતી એને સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા આઇસીસીએ ફગાવી દઈને એક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને જોરદાર લપડાક લગાવી છે અને એ નામોશીથી શરમમાં મુકાયેલા પાકિસ્તાને એશિયા કપ (ASIA CUP)નો બહિષ્કાર કરવાની ધમકી ચૂપકીદીથી પાછી ખેંચી લીધી હોવાનું મનાય છે.
બુધવારે દુબઈમાં પાકિસ્તાનની યુએઇ સામે મૅચ છે અને પાકિસ્તાને એ મૅચ ઍન્ડી પાઇક્રૉફ્ટની મૅચ રેફરી તરીકેની નજર હેઠળ જ રમવી પડશે.
આ પણ વાંચો: પાકિસ્તાનની બેશુમાર નાલેશી થઈ, હવે બુધવારે યુએઇ પણ નાક કાપશે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આક્ષેપ કર્યો હતો કે રવિવારે ટૉસ વખતે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવા પાઇક્રૉફ્ટે પાકિસ્તાની સુકાની સલમાન આગાને સૂચના આપી હતી.
કહેવાય છે કે પાકિસ્તાને યુ-ટર્ન લીધો છે અને એશિયા કપમાં રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાનને ડર છે કે જો એશિયા કપનો એ બહિષ્કાર કરશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસી હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની વાર્ષિક આવકમાંથી 15 ટકા જેટલો હિસ્સો (અંદાજે 105 કરોડ રૂપિયાથી 141 કરોડ રૂપિયા) ગુમાવવો પડશે. પાકિસ્તાને એવું વિચારીને જ એશિયા કપનો બહિષ્કાર કરવાનું માંડી વાળ્યું છે.