પાકિસ્તાન અને પીસીબીએ ભારત સામે ઝૂકવું પડ્યું, ટીમ ઇન્ડિયાની ટ્રોફી…
T20 એશિયા કપ 2025Top News

પાકિસ્તાન અને પીસીબીએ ભારત સામે ઝૂકવું પડ્યું, ટીમ ઇન્ડિયાની ટ્રોફી…

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ રવિવારે દુબઈમાં ભારતે જીતેલા એશિયા કપની ટ્રોફીના મુદ્દે હાર માની લીધી છે અને ટ્રોફી (TROPHY) પરનો ગેરકાનૂની કબજો છોડી દીધો હોવાનું એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું. કહેવાય છે કે પાકિસ્તાનના આંતરિક બાબતોને લગતા ખાતાના પ્રધાન મોહસિન નકવીના અધ્યક્ષસ્થાન હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ભારતના હકની ચૅમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાના યજમાન યુએઇ ક્રિકેટ બોર્ડને મોકલી આપી છે.

આ ટ્રોફી બહુ જલદી ભારત (INDIA)ને મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું. પાકિસ્તાને અઢી દિવસના ડ્રામા બાદ છેવટે હાર માની લેવી પડી છે. દુનિયાભરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની સાથે પીસીબી અને એના અધ્યક્ષ મોહસિન નકવીની હાંસી ઉડાવવામાં આવી રહી છે. રવિવારની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી દીધું હતું. ભારતે એ થ્રિલરમાં બે બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.

ભારતે રવિવારે પાકિસ્તાની ટીમને પરાજયની હૅટ-ટ્રિક લપડાક મારી ત્યાર બાદ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે દુશ્મન-દેશ પાકિસ્તાનના પ્રધાન અને એસીસીના ચીફ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. ભારતીય કૅપ્ટનના આ નિર્ણયથી નકવી રિસાઈ ગયા હતા અને નાટક શરૂ કરી દીધા હતા. તેમણે પોણો કલાક સુધી ટ્રોફી માટે ભારતીય ટીમને રાહ જોવડાવી હતી અને પછી એસીસીના અધિકારીઓ ટ્રોફી તેમ જ મેડલ લઈને છૂમંતર થઈ ગયા હતા.

જોકે ભારતીય ટીમે વર્ચ્યુઅલ ટ્રોફી સાથે મેદાન પર જીતનું યાદગાર સેલિબે્રશન કર્યું હતું જેને લીધે પાકિસ્તાન વધુ ઉઘાડું પડી ગયું હતું. એ પહેલાં, પાકિસ્તાનના જ કૅપ્ટન સલમાન અલી આગાએ પોતાની ટીમ વતી સ્વીકારેલો રનર-અપનો ચેક મંચ પર તમામ મહેમાનોની હાજરીમાં દૂર ફેંક્યો હતો. તે પાકિસ્તાની ટીમના પર્ફોર્મન્સથી તેમ જ નકવીના નાટકથી ખફા હતો.

ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) હેઠળની સંસ્થા એસીસીની મંગળવારની મીટિંગમાં બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુક્લા તેમ જ આશિષ શેલારે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મોહસિન નકવીનો ઊધડો લીધો હતો તેમ જ દુબઈના મેદાન પરની તેમની શર્મનાક હરકત બદલ તેમને ખૂબ સંભળાવ્યું હતું. ભારતે જીતેલી ટ્રોફી તેમની અંગત મિલકત નહીં, પણ એસીસીની સંપત્તિ કહેવાય એવું શુક્લાએ નકવીને કહ્યું હતું.

હવે જાણવા મળ્યું છે કે નકવીએ ઝૂકીને ટ્રોફી યુએઇ બોર્ડને મોકલી દીધી છે જે ભારતને એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો…એશિયા કપ 2025 ટ્રોફી લઈ ગયા બાદ મોહસીન નકવીએ માફી માંગી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button