ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાકિસ્તાને નોંધાવી ફરિયાદ; જાણો શું છે વિવાદ…

દુબઈ: ભારતમાં બહિષ્કારની અપીલો વચ્ચે ગઈ કાલે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ રમાઈ (IND vs PAK T20I) હતી, આ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી.
મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત પહલગામ આતંકવાદી હુમલાના મૃતકો અને ભારતીય સેનાના શુરવીર જવાનોને સમર્પિત કરી હતી.

મેચ બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળીને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. હવે આ મામલે પાકિસ્તાનની ટીમે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે.
ભારતીય ટીમે હાથ મિલાવવાનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાની ટીમના ટીમ મેનેજર નવીદ અકરમ ચીમાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે ભારતીય ટીમના આ પગલાંને ક્રિકેટની સ્પિરિટની વિરુદ્ધ ગણાવ્યું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે સલમાન આગાને ટોસ સમયે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવાની સૂચના આપી હતી, પરંતુ મેચ પછી હાથ મિલાવવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો ન હતો.

ભારતીય ટીમે ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો:
કેપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી, પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના સુર્યા અને શિવમ દુબે સાથે ડ્રેસિંગ રૂમમાં તરફ દોડી ગયા.
અહેવાલ મુજબ મેચ બાદ પાકિસ્તાની ટીમનો કેપ્ટન સલમાન આગા અને કોચ માઈક હેસન સમગ્ર ટીમ હાથ મિલાવવા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ પાસે પહોંચ્યા હતાં. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે દરવાજો બંધ કરી દીધો.
આનાથી પાકિસ્તાન ટીમના કોચ હેસન નારાજ થયા હતાં અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમની ટીમ હાથ મિલાવવા તૈયાર હતી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા મળી નહીં.

સલમાન આગા ઇન્ટરવ્યુ માટે ના આવ્યો:
ગઈ કાલની મેચમાં વધુ એક વિવાદ પણ સર્જાયો હતો. મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમનો કેપ્ટન સલમાન આગા ઓફીશીયલ બ્રોડકાસ્ટર સાથે ઇન્ટરવ્યુ માટે હાજર થયો ન હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે ભારતીય ટીમના પગલા સામે વિરોધ નોંધાવવા સલમાન અલી આગાએ મેચ પછીના પ્રેઝન્ટેશનનો બહિષ્કાર કર્યો હતો.
એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં મેચ રમાય બાદ, હવે ભારત અને પાકિસ્તાન સુપર-4 સ્ટેજમાં આમને સામને આવે તેવી શક્યતા છે, પહેલા મેચમાં આ વિવાદો બાદ બીજી મેચ વધુ રસપ્રદ રહે તેવી પુરેપુરી શક્યતા છે.
આ પણ વાંચો…એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતે ધૂળ ચટાડી, કેપ્ટને પહેલગામના પીડિતો અને સૈનિકોને જીત કરી સમર્પિત…