પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ બાદ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસને કર્યા વખાણ, જાણો શું કહ્યું?

નવી દિલ્હીઃ પાકિસ્તાન સામે ભારતીય ઓપનિંગ બેટ્સેમન અભિષેક શર્માની આક્રમક ઇનિંગે ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસનને પણ ચોંકાવી દીધા હતા. ભારતીય ઓફ સ્પિનરે તો એમ પણ કહ્યું હતું કે આ યુવા ખેલાડી “ભારત માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક” બનશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે એશિયા કપના સુપર-4 તબક્કામાં પાકિસ્તાન સામે અભિષેકે 39 બોલમાં 74 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેની મદદથી ભારતે પાકિસ્તાન સામે છ વિકેટે જીત હાંસલ કરી હતી.
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “હું તમને કહેવા માંગુ છું કે આ અભિષેક શર્માનું આગમન નથી. આ ફક્ત શરૂઆત છે. તેણે હમણાં જ શરૂઆત કરી છે અને તેનું ભવિષ્ય ખૂબ લાંબુ છે. તે ક્રિકેટ જગતમાં તોફાન મચાવશે.” અશ્વિને 23 વર્ષીય અભિષેકની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે તેના મેન્ટર યુવરાજ સિંહના વારસાને આગળ ધપાવશે.
વધુમાં અશ્વિને કહ્યું હતું કે “આ વાત લખીને રાખો. તેની પાસે ઘણી ક્ષમતા છે.” જેમ યુવરાજ સિંહ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતના મહાન ખેલાડીઓમાંનો એક રહ્યો છે તેવી જ રીતે અભિષેકમાં પણ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન બનવાની ક્ષમતા છે. તે સરળતાથી તે સ્તર સુધી પહોંચી શકે છે. મને લાગે છે કે તે યુવરાજના વારસાને આગળ ધપાવશે. તે એક અદભૂત પ્રતિભા છે.”
અભિષેકે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. આ બેટ્સમેને ઇનિંગની આઠમી ઓવરમાં સૈમ અયુબ સામે ‘હેલિકોપ્ટર શોટ’ જેવા સ્ટ્રોક સાથે ફોર ફટકારી હતી, જે મહાન બેટ્સેન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવે છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ અભિષેકની પ્રશંસા કરી હતી.
પીટરસને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “અભિષેક શર્મા એક અલગ કેલિબરનો ખેલાડી છે. તે એવો ખેલાડી છે જે ક્યારેક નિષ્ફળ જાય છે અને એવા શોટ પર આઉટ થાય છે જેની વ્યાપક ટીકા થશે. તે તેની કારકિર્દી દરમિયાન લાખો ચહેરા પર સ્મિત અને આનંદ લાવશે કારણ કે તે વિશ્વભરના બોલરો સામે ઝડપથી રન બનાવે છે.
આ પણ વાંચો…IND VS PAK: મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યાએ કોને હેન્ડશેક કર્યું, જુઓ વીડિયો