ટચૂકડા ઓમાન સામે સાત વિકેટ ગુમાવ્યા પછી પાકિસ્તાન છેક 17મી ઓવરમાં જીત્યું
પાકિસ્તાનમાં જન્મેલા સ્પિનરનો સલમાનની ટીમ પર આતંકઃ સાત બૉલમાં ત્રણ વિકેટ લીધી

દુબઈઃ એશિયા કપમાં પાકિસ્તાને (Pakistan) શુક્રવારે ઓમાન જેવી નવીસવી ટીમ સામે સાત વિકેટ ગુમાવી દીધા બાદ એને હરાવવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાને 161 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઓમાનની ટીમ છેક 17મી ઓવરમાં 67 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન વતી સઇમ અયુબ, સુફિયાન અને ફહીમ અશરફે બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, પાકિસ્તાને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે 160 રન કર્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં આવેલા કરાચીમાં જન્મેલો ઓમાનનો લેફ્ટ-આર્મ સ્પિનર આમીર કલીમ (Aamir Kaleem) પાકિસ્તાનની ટીમને સૌથી ભારે પડ્યો હતો. તેણે 31 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે એ ત્રણ વિકેટ બે ઓવરમાં કુલ મળીને ફક્ત સાત બૉલમાં મેળવી હતી. પાકિસ્તાનની ઇનિંગ્સ દરમ્યાન ડ્રેસિંગ-રૂમમાં કૅપ્ટન સલમાન આગા (Salman Agha) અને કોચ માઇક હેસન ચિંતિત હાલતમાં દેખાયા હતા.
રવિવારે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત દુબઈના જે મેદાન પર પાકિસ્તાન સામે રમવાનું છે એ જ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપ ઓમાન જેવા પહેલી જ વાર એશિયા કપમાં રમી રહેલા ઓમાન સામે 20 ઓવરમાં 160 રનનો સાધારણ સ્કોર નોંધાવી શકી હતી.
પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી ત્યાર પછી પહેલી જ ઓવરની શરૂઆતમાં પાકિસ્તાને પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. શાહ ફૈઝલ નામના બોલરના બીજા જ બૉલમાં 41 ટી-20 ઇન્ટરનૅઈનલ સહિત 60થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા ઓપનર સઇમ અયુબે પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. તે શૂન્યમાં એલબીડબ્લ્યૂ થયો હતો.
પાકિસ્તાનના 160 રનમાં વિકેટકીપર મોહમ્મદ હારિસ (66 રન, 43 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ભારત સામે ભૂતકાળમાં સારું પર્ફોર્મ કરી ચૂકેલો ફખર ઝમાન 23 રને અણનમ રહ્યો હતો, જ્યારે ઓપનર સાહિબઝાદા ફરહાને 29 રન કર્યા હતા.
ઓમાન વતી આમીર કલીમ ઉપરાંત શાહ ફૈઝલે પણ ત્રણ વિકેટ લીધી હતી. ઓમાનના કુલ સાત બોલરના આક્રમણ સામે પાકિસ્તાન પોણાબસો રન સુધી પણ નહોતું પહોંચી શક્યું.
આગામી મુકાબલા
શનિવારે:
શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ
અબુ ધાબી, રાત્રે 8.00
રવિવારે:
ભારત વિરુદ્ધ પાકિસ્તાન
દુબઈ, રાત્રે 8.00