‘ઓપરેશન સિંદૂર નકામું ગયું?’ પહલગામ હુમલાના મૃતકોના પરિવારનો આક્રોશ

અમદાવાદ: એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ યોજાવાની છે. પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરી 26 નિર્દોષો જીવ લીધા હોવા છતાં પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા બાબતે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે અને મેચનો બહિષ્કાર કરવા લોકોને અપીલ કરી (IND vs PAK T20 match boycott) રહ્યા છે, કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ યોજઈ રહ્યા છે. પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પણ પાકિસ્તાન સામે મેચ યોજવા પરવાનગી આપવા બાબતે સરકારથી નારાજ છે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહલગામમાં સીમા પારથી આવેલા આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભાવનગરના સાવન પરમારે પિતા અને ભાઈ ગુમાવ્યા હતાં. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા 16 વર્ષીય સવાને આ મેચ યોજાવા અંગે નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે ઓપરેશન સિંદૂર નકામું ગયું હોય એવું લાગે છે.
‘મારો ભાઈ પાછો આપો…’
સાવન પરમારે કહ્યું, “જ્યારે અમને ખબર પડી કે ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે, ત્યારે અમે ખૂબ જ નિરાશ થયા હતાં. ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ. મારો ભાઈ મને પાછો આપો પછી તમે મેચ રમો. ઓપરેશન સિંદૂર હવે નકામું ગયું હોય એવું લાગે છે.”
વડાપ્રધાન મોદીને સવાલ:
પહલગામ આતંકવાદી હુમલામાં પતિ અને એક દીકરો ગુમાવનાર કિરણ યતીશ પરમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો. તેમણે કહ્યુ, “વડાપ્રધાન મોદીને કહે છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી તો આ મેચ કેમ યોજાઈ રહી છે. પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી, ત્યારે આ આ મેચ ન થવી જોઈએ.”
BCCIની સ્પષ્ટતા:
BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેની નીતિને ધ્યાનમાં રાખીને આ મેચ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચ રમવા સિવાય ભારત પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે એક મલ્ટીલેટરલ ઇવેન્ટ છે.
આપણ વાંચો: ભારત માટે ગૌરવની પળ: વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જેસ્મીન લેમ્બોરીયાએ જીત્યો પહેલો ગોલ્ડ મેડલ