પાકિસ્તાનની એકે-47 સામે ભારતના બ્રહ્મોસ… પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘ ધુલાઈ સામે મહા ધુલાઈ’

દુબઈ: ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને આઠ દિવસમાં સતત બીજી વખત કચડી નાખ્યું એને પગલે ભારતમાં તો ઠીક, પાકિસ્તાનમાં પણ પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે જેમાં ખાસ કરીને તેમના જ ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાતી વૈષ્ણવ પરિવારના જાણીતા સ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે ‘ ઓપનિંગ બૅટ્સમૅન સાહિબઝાદા ફરહાને એકે-47ની સ્ટાઇલમાં બૅટથી એક્ટિંગ કરી હતી, પરંતુ પછીથી અભિષેક શર્મા (Abhishek Sharma) અને શુભમન ગિલે તેમના બૅટથી બ્રહ્મોસ મિસાઈલ છોડ્યા હતા અને પછીથી અભિષેકે હાફ સેન્ચુરી બાદ પોતાના બૅટને ચૂમી લીધું હતું. આ રીતે જ રમાય.’
ભારતે બૅટિંગ આપ્યા પછી પાકિસ્તાને (Pakistan) ખરાબ શરૂઆત કર્યા બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટે 171 રન કર્યા હતા. એમાં સાહિબઝાદાના હાઇએસ્ટ 58 રન સામેલ હતા. જવાબમાં ભારતે (India) 18.5 ઓવરમાં ચાર જ વિકેટના ભોગે 174 રન કરીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
ભારતની બોલિંગમાં સૌથી સારો પર્ફોર્મન્સ શિવમ દુબે (33 રનમાં બે વિકેટ)નો હતો. ત્યાર બાદ બૅટિંગમાં અભિષેક શર્મા (74 રન, 39 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને શુભમન ગિલ (47 રન, 28 બૉલ, આઠ ફોર) તેમ જ તિલક વર્મા (30 રન, 19 બૉલ, બે સિક્સર, બે ફોર)એ સૌથી મોટા યોગદાન આપ્યા હતા.
અભિષેક અને ગિલ વચ્ચે પહેલી 10 ઓવરમાં 105 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
કનેરિયાએ એક જાણીતી સમાચાર સંસ્થાને રવિવારની મૅચમાં પહેલાં પાકિસ્તાનની અને પછી ભારતની જે બૅટિંગ થઈ એની વાત દરમ્યાન કહ્યું હતું કે ‘ રવિવારની મૅચમાં પહેલાં ધુલાઈ થઈ અને પછી મહા ધુલાઈ થઈ.’
આપણ વાંચો: IND vs PAK: હારીસ રૌફે ભારતીય દર્શકો તરફ કર્યો ‘6-0’નો ઈશારો; રાફેલ ફાઈટર જેટ સાથે શું છે કનેક્શન?