ભારતીય ખેલાડીઓને એશિયા કપ ટ્રોફી મળી ગઈ! સુર્યા એન્ડ કંપનીએ આ રીતે નકવીની મજાક ઉડાવી

દુબઈ: ગઈ કાલે એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે ટાઈટલ જાળવી રાખ્યું. પરંતુ મેચ બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, વિજેતા ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના વડા મોહસીન નકવી(Mohsin Naqvi)ના હાથે ટ્રોફી સ્વીકારવાની મનાઈ ફરમાવી, નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના વડા પણ છે. લગભગ 1 કલાક સુધી ચાલેલા તણાવ બાદ ચેમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી આપવામાં ન આવી, અંતે ટીમે ટ્રોફી વગર જ સેલિબ્રેશન કર્યું. પરંતુ ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે, જેમાં તેમના હાથમાં ટ્રોફી જોવા મળી રહી છે.
સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોફી સાથે ઉભા હોય એવા ફોટો શેર કર્યા છે, હકીકતે આ ખેલાડીઓએ તેમના ઓરીજીનલ ફોટો એડિટ કરીને ટ્રોફીનો ઇમોટિકોન ઉમેરીને મોહસીન નકવી અને પાકિસ્તાનની નજાક ઉડાવી હતી.
ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં ખેલાડીઓ ટ્રોફી ઇમોટિકોન સાથે પોઝ આપતા દેખાય છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોસ્ટના કેપ્શનમાં નકવીને કડક સંદેશ આપ્યો છે, તેણે લખ્યું અંતે ચેમ્પિયનને યાદ રાખવામાં આવે છે, ટ્રોફીની તસવીરો નહીં.
ચેમ્પિયન બનવા છતાં ટીમને ટ્રોફી ના મળી:
નોંધનીય છે કે ભારતે ACC ને જણાવ્યું હતું કે તેઓ અમીરાત ક્રિકેટ બોર્ડના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝરૂની પાસેથી ટ્રોફી સ્વીકારવા તૈયાર છે, પરંતુ નકવીએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ તેમણે ACC ટીમને મેડલ અને ટ્રોફી મેદાનની બહાર લઈ જવા કહ્યું હતું.
મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે નારજગી વ્યક્ત કરી હતી, તેણે કહ્યું કે “મેં મારી વર્ષોની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આવું ક્યારેય જોયું નથી. એક ચેમ્પિયન ટીમને ટ્રોફી ન આપવામાં આવી, જે અમે ખૂબ મહેનતથી મેળવી હતી. અમે ખરેખર તેના હકદાર છીએ, હું વધુ કંઈ કહેવા માંગતો નથી.”